22 December, 2024 10:28 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પોલીસ સાથે દાદાગીરી કરનાર બે જણનાં ગેરકાયદે મકાનો પર વળ્યું બુલડોઝર
ચાર દિવસ પહેલાં અમદાવાદમાં પોલીસ સાથે દાદાગીરી કરીને રખિયાલ વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરનાર અસામાજિક તત્ત્વોનાં ગેરકાયદે મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવી દઈને જમીનદોસ્ત કરી દીધાં છે.
અમદાવાદમાં રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં ચાર દિવસ પહેલાં ફઝલ શેખ સહિતનાં અસામાજિક તત્ત્વોએ હાથમાં તલવારો સાથે વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો હતો અને ફઝલ શેખે પોલીસની વૅન પાસે જઈને બે પોલીસ-કર્મચારીઓને ધમકી આપી હતી. જોકે પોલીસે ફઝલ શેખ અને અલ્તાફ મિયાંને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે આ અસામાજિક તત્ત્વોએ મ્યુનિસિપલ કૉર્પોરેશનની જમીન પર ગેરકાયદે રીતે મકાનો બનાવી દીધાં હતાં. પોલીસને ધમકી આપનાર ફઝલ શેખે તો ગેરકાયદેસર રીતે બે કમર્શિયલ અને એક રહેણાક મકાન બનાવી દીધાં હતાં. ગઈ કાલે મ્યુનિસિપલ કૉર્પોરેશનની દબાણ ખાતાની ટીમ પોલીસને સાથે રાખીને બુલડોઝર લઈ પહોંચી ગઈ હતી અને ગેરકાયદે મકાનો તોડી પાડ્યાં હતાં.
૨૫૦ પોલીસોનો બંદોબસ્ત
ગેરકાયદે મકાનો તોડવા જતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે એક ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP), બે અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP), ૮ પોલીસ-ઇન્સ્પેક્ટર સહિત ૨૫૦ પોલીસ-કર્મચારીઓના સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવીને એને જમીનદોસ્ત કરવામાં આવ્યાં હતાં.