05 June, 2024 10:22 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પરષોત્તમ રૂપાલા
ગુજરાતમાં રાજપૂત સમાજની નારાજગી અને આંદોલન વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાને મતદારાઓએ વિજય અપાવતાં તેમને રાહત થઈ છે.
પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી દરમ્યાન રાજપૂત સમાજ સામે કરેલા નિવેદનથી રાજપૂત સમાજમાં નારાજગી ફેલાઈ હતી અને તેમને ઉમેદવારીમાંથી હટાવી લેવાની માગણી સાથે આંદોલન શરૂ કર્યું હતું. જોકે BJPએ તેમને હટાવ્યા નહોતા. રાજપૂત સમાજે એના કારણે BJP સામે નારાજગી વ્યક્ત કરીને BJP સામે વોટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે વિરોધની વચ્ચે પણ રાજકોટ બેઠક પર BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ૮,૫૭,૯૮૪ મત મેળવ્યા હતા અને ૪,૮૪,૨૬૦ મતોના માર્જિનથી તેમના પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને પરાજય આપ્યો હતો. પરષોત્તમ રૂપાલાએ જીત બાદ સૌ મતદારોનો આભાર માન્યો હતો. જોકે ઉલ્લેખનીય બાબત એ રહી કે રાજપૂત સમાજે કરેલા આંદોલનને કારણે ગુજરાતમાં કેટલીક બેઠકો પર BJPને અસર પડી હોવાનું અવગણી ન શકાય અને પાંચ લાખની લીડ મેળવવામાં મુશ્કેલી થઈ છે.