24 May, 2023 12:13 PM IST | Ahmedabad | Shailesh Nayak
સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને શુકનમાં ચાંદીની ગદા ગિફ્ટ અપાશે
વિવાદોની વચ્ચે પણ ગુજરાતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો વ્યાપ વધી રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ બાદ વડોદરા અને હવે ગાંધીનગર પાસે પણ દરબાર યોજાશે. ગાંધીનગર પાસે આવેલા ઝુંડાલમાં ગુરુ વંદના મંચ દ્વારા ૨૮ મેએ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન કરાયું છે. બીજી તરફ સુરત આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને શુકનમાં ગિફ્ટમાં આપવા માટે ચાંદીની ગદા સુરતના જ્વેલર્સે બનાવી છે. જ્વેલર્સ દીપક ચોકસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૬ અને ૨૭ મેએ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત પધારી રહ્યા છે ત્યારે રામભક્ત ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સાવર બુધિયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચાંદીની ગદા ગિફ્ટમાં આપવા માટે ઑર્ડર આપ્યો હતો. શુકનના હિસાબે ૧,૧૬૧ ગ્રામ ચાંદીની હૅન્ડમેડ ગદા અમે ૧૫ દિવસમાં બનાવી છે. આ ગદામાં સંપૂર્ણ રીતે ચાંદીનો ઉપયોગ કરાયો છે. બે ફુટ લાંબી અને એક ફુટ પહોળી આ ગદા છે, જેને ચાર કારીગરોએ હાથેથી બનાવી છે. આ નક્કર ચાંદીની ગદા છે, એમાં કોઈ ઢોળ ચડાવ્યો નથી કે અન્ય કોઈ વસ્તુનું મિશ્રણ કર્યું નથી. ચાંદીના જાડા પતરાનો ઉપયોગ કરી આ ગદા બનાવી છે. પતરું જાડું હોવાથી આ ગદા દબાશે નહીં. ૧,૧૬૧ ગ્રામની આ ચાંદીની ગદાની અંદાજિત કિંમત રૂપિયા ૧.૨૫ લાખ છે.’