17 May, 2023 12:05 PM IST | Ahmedabad | Shailesh Nayak
સિદ્ધપુરમાં માનવ અવશેષ મળી આવતાં ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.
ઉત્તર ગુજરાતના કાશી ગણાતા પવિત્ર યાત્રાધામ સમા સિદ્ધપુરમાંથી ગઈ કાલે પાણીની પાઇપલાઇનના ખોદકામ દરમ્યાન રહસ્યમય સંજોગો વચ્ચે માનવ અંગોના અવશેષ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ સિદ્ધપુરમાં વાયુવેગે ફેલાઈ જતાં લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં. લાશ કોની છે? હત્યા કોણે કરી હશે? કોણે માનવ અવશેષો ટુકડા કરીને જમીનમાં દાટ્યા કે નાખી દીધા? સહિતના અનેક સવાલો ઊઠ્યા છે ત્યારે રહસ્યના તાણાવાણા સર્જતી આ ઘટનાની ગૂંચ ઉકેલવા વિશે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
સિદ્ધપુરમાં ઉપલી શેરી વિસ્તારમાં પાણી નહીં આવતું હોવાની ફરિયાદના પગલે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા તપાસ કરવા માટે ખોદકામ શરૂ કર્યું હતું. ખોદકામ કરી રહેલા કર્મચારીઓને ખોદકામ દરમ્યાન પાઇપલાઇન પાસેથી માનવ અંગો મળી આવતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. કર્મચારીઓને હાથનો ભાગ તેમ જ છાતીનો ભાગ મળી આવ્યો હતો જેથી તેમણે કામ અટકાવીને નગરપાલિકામાં અને પોલીસમાં જાણ કરી હતી. આ ચકચારભરી ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમ જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી. પ્રાથમિક તબક્કે આ અવશેષો મહિલાના હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો: ગુજરાતના ડૉક્ટરે બે એન્જિનિયરની મદદથી બનાવી બાયોપ્સી ગન
પોલીસે મળી આવેલા માનવ અવશેષોને તપાસ માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ નગરમાં વાયુ વેગે પ્રસરી જતાં નગરજનો ચોંકી ઊઠ્યા હતા અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માનવ અવશેષો જોઈને લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ઉપલી શેરી વિસ્તારમાં દુર્ગંધ મારતું પાણી આવતું હતું એથી ખોદકામ કરતાં શરીરનાં અંગો મળી આવ્યાં હતાં.