25 January, 2025 04:12 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
હર્ષ સંઘવીએ મહાકુંભમાં જવા બસની જાહેરાત કરી હતી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની યાત્રા કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારે અમદાવાદથી રોજ પ્રયાગરાજ સુધી ઍર-કન્ડિશન્ડ વૉલ્વો બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે અને એના માટે પૅકેજ જાહેર કર્યું છે.
ગુજરાતના વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ આ પૅકેજની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું એક વિશેષ મહત્ત્વ છે ત્યારે ૨૭ જાન્યુઆરીથી ગુજરાતથી પ્રયાગરાજ જવા માટે વૉલ્વો બસસેવા શરૂ કરવામાં આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી પહેલી બસને પ્રસ્થાન કરાવશે. એ પછી રોજ સવારે ૭ વાગ્યે અમદાવાદથી વૉલ્વો બસ પ્રયાગરાજ જશે. ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા-જવાની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે. આ પૅકેજ ત્રણ રાત્રિ–ચાર દિવસ માટે બનાવવામાં આવ્યું છે. વચ્ચે એક રાત્રિરોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે. ત્યાં હોટેલમાં તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થા આ પૅકેજમાં કરવામાં આવી છે. પ્રયાગરાજમાં રાત્રિરોકાણ ગુજરાત પૅવિલિયનની ડૉર્મિટરીમાં કરવામાં આવ્યું છે. માત્ર ૮૧૦૦ રૂપિયામાં ત્રણ રાત્રિ અને ચાર દિવસની આસ્થાની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.’
કીર્તિદાન ગઢવીએ લગાવી ડૂબકી
જાણીતા લોકકલાકાર કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં તેમનાં પત્ની સોનલ સાથે જઈને ડૂબકી લગાવી હતી.