23 December, 2022 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને લઈને ગાંધીનગરમાં ગુજરાતના આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.
અમદાવાદ : વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ માથું ઊંચક્યું છે અને ડિસેમ્બરના એન્ડમાં ફેસ્ટિવલ સીઝન આવી રહી છે અને ગુજરાતમાં નાના-મોટા ઉત્સવોનું આયોજન થયું છે અને ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ફેસ્ટિવલમાં કોરોનાની કોવિડ ઍપ્રોપ્રિએટ બિહેવિયરના અમલ સાથે ગાઇડલાઇન્સ લાગુ કરવામાં આવશે. બીજી તરફ ચીનથી ભાવનગર, જપાનથી માંડલ વિઠલાપુર અને ઑસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા પ્રવાસીઓ કોવિડ પૉઝિટિવ આવતાં તંત્ર અલર્ટ બન્યું છે.
અમદાવાદમાં આ મહિનાના એન્ડમાં કાંકરિયા લેક પર કાંકરિયા કાર્નિવલ, સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો તેમ જ એ પછી કાઇટ ફેસ્ટિવલ આવી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો આવવાની ધારણા હોવાના પગલે સતર્કતાના ભાગરૂપે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે.
ગુજરાતમાં ગઈ કાલે મળેલી કૅબિનેટની બેઠકમાં કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા થઈ હતી. આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘સરકાર દ્વારા ટેસ્ટ, ટ્રૅક અને ટ્રીટમેન્ટ તેમ જ વૅક્સિન, કોવિડ ઍપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રૅટેજી અપનાવીને એ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં ૧ લાખ ૪ હજારથી વધુ બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે. ૧૫ હજારથી વધુ આઇસીયુ અને ૯૭૦૦ જેટલા વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે.’
તેમણે કહ્યું હતું કે ‘હાલ ચીન, જપાન અને અમેરિકામાં બીએફ સેવન વેરિઅન્ટના કેસ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં નોંધાયેલા બીએફ સેવનથી સંક્રમિત ૩ દરદીઓ હોમ આઇસોલેશનમાં સાજા થઈ ગયા હતા.’
ચીનથી પરત ફરેલો ભાવનગરનો એક યુવાન વેપારી કોરોના પૉઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ અલર્ટ બન્યો હતો. આ દરદીને ક્વૉરન્ટીન કરીને આરટીપીસીઆર અને જીનોમ સીક્વન્સિંગ માટે સૅમ્પલ મોકલવામાં આવ્યા હતા અને એમાં પણ પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ અને તેમના પરિવારજનોની પણ ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં આ યુવાન વેપારીની પુત્રીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં ભાવનગર આરોગ્ય વિભાગે તેના સૅમ્પલ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.