ગુજરાતમાં મેડિકલ કૉલેજોની ફીમાં કરવામાં આવેલા વધારામાં આખરે ઘટાડો

17 July, 2024 07:50 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વિરોધનાં વટોળને પગલે લેવાયો નિર્ણય, પણ ફી-વધારો સંપૂર્ણપણે પાછો નથી ખેંચાયો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત સરકારી મેડિકલ કૉલેજોમાં કરાયેલા ફી-વધારા સામે ગુજરાતમાં વિરોધનો વંટોળ ઊઠતાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે ફી-વધારો સંપૂર્ણપણે પાછો નથી ખેંચાયો, પરંતુ વધારેલી ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

GMERS સંચાલિત ૧૩ મેડિકલ કૉલેજોમાં કરાયેલા ફી-ઘટાડા વિશે ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે કહ્યું કે ‘૧૩ GMERS કૉલેજોની ૨૧૦૦ બેઠકો માટે કરાયેલા ફી-વધારામાં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કૅબિનેટની બેઠકમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ક્વોટામાં ફી ૫.૫૦ લાખ રૂપિયા કરવામાં આવી હતી એમાં ઘટાડો કરીને ફી ૩.૭૫ લાખ રૂપિયા કરવામાં આવી છે અને મૅનેજમેન્ટ ક્વોટામાં ફી વધારીને ૧૭ લાખ રૂપિયા કરવામાં આવી હતી એમાં ઘટાડો કરીને ૧૨ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ફીનું માળખું મેડિકલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-’૨૫થી લાગુ કરવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે સરકારી ક્વોટાની બેઠકોની વાર્ષિક ફી ૩.૩૦ લાખથી વધારીને ૫.૫૦ લાખ રૂપિયા અને મૅનેજમેન્ટ ક્વૉટાની બેઠકની ફી ૯ લાખથી વધારીને ૧૭ લાખ રૂપિયા કરી હતી. 

gujarat government gujarat gujarat news