03 May, 2023 11:38 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનમાં બનાવેલી થ્રીડી ગુફા.
દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનમાં સોમનાથ મંદિરની થ્રીડી ગુફા બનાવવામાં આવી છે, જેમાં લોકોને વર્ચ્યુઅલ રિયાલિટીથી અસલ મંદિર જેવો અનુભવ થશે અને દેવાધિદેવ સોમનાથ મહાદેવનાં દર્શન કરી શકશે.
આ ગુફાનું ઉદ્ઘાટન ગુજરાત સ્થાપના દિવસે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને ન્યાયમૂર્તિ બેલાબહેન ત્રિવેદી તેમ જ વડા પ્રધાનના અગ્રસચિવ ડૉ. પી. કે. મિશ્રાએ સંયુક્ત રીતે કર્યું હતું. ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલો આ એક અનોખો અનુભવ છે. આ વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટના માધ્યમથી સોમનાથ મંદિરના સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધાર્મિક મહત્ત્વનો પ્રચાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિરને સ્કૅનિંગ–મૅપિંગ સિસ્ટમની સાથે સ્કૅન કરવામાં આવ્યું છે, જેનાથી લોકોને વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી અસલ મંદિર જેવો અનુભવ કરાવશે. અહીં લોકો વીઆર ગોગલ્સના માધ્યમથી સોમનાથ મંદિરની નાની-નાની બારીકાઈનો પણ અનુભવ કરી શકશે.