15 December, 2022 10:33 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમદાવાદ : ગુજરાતમાં ધીરે-ધીરે શિયાળાની ઋતુ જમાવટ કરી રહી છે ત્યારે અરબી સમુદ્રમાં લોપ્રેશરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગઈ કાલે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. એટલું જ નહીં, હવામાનખાતાએ આજે કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. ગુજરાતમાં ગઈ કાલે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. આ ઉપરાંત પંચમહાલનાં શહેરો તેમ જ યાત્રાધામ ડાકોર, હિંમતનગર, આણંદ, વલ્લભવિદ્યાનગર, કરમસદ અને ભાવનગર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. દાહોદના સંજેલીમાં જાણે ચોમાસું બેઠું હોય એમ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, સુરત જિલ્લામાં તેમ જ ઉત્તર ગુજરાતના અરવલ્લી, મધ્ય ગુજરાતના મહીસાગર, સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ તેમ જ જૂનાગઢ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે ઘઉં, તુવેર, રાયડો સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આજે પણ વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.