આપ્યાં છે એ પ્રૉમિસની સાથોસાથ જાતને કર્યાં છે એ પ્રૉમિસ પણ પૂરાં કરવાં છે

09 December, 2022 09:30 AM IST  |  Rajkot | Rashmin Shah

સગી નણંદ અને સસરાના પૉલિટિકલ વિરોધ વચ્ચે પણ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં વાઇફ રીવાબા જાડેજાએ જામનગર (નૉર્થ) બેઠક જીત્યા પછી સૌથી પહેલાં આ શબ્દો કહ્યા અને સાથોસાથ કહ્યું, વિમેન એમ્પાવરમેન્ટ માટે પણ કામ કરતી રહીશ

રીવાબાના વિજય સરઘસમાં રવીન્દ્ર જાડેજા તેમની પાછળ ઊભો હતો

એવું લાગતું હતું કે જામનગર (નૉર્થ)ની બેઠક પરથી લડતાં બીજેપીનાં કૅન્ડિડેટ રીવાબા જાડેજા માટે આ ઇલેક્શન અઘરું પડી જશે. ૨૦૧૯માં પાર્ટી જૉઇન કરીને માત્ર અઢી વર્ષમાં જ ટિકિટ મેળવી શકનારાં રીવાબા જાડેજાની સામે કૉન્ગ્રેસે તેમનાં જ સગાં નણંદ અને સસરાને મેદાનમાં ઉતાર્યાં હતાં અને એ બન્ને સ્ટ્રૉન્ગ પ્રચાર પણ કરતાં હતાં, સામા પક્ષે જામનગર (નૉર્થ) બેઠકના કાર્યકરો પણ રીવાબાનો સ્વીકાર કરશે કે નહીં એ પ્રશ્ન પણ ઊભો હતો. જોકે બીજેપીના સુનામી વચ્ચે ગઈ કાલે રીવાબા જાડેજા જીતી ગયાં.

સામાન્ય રીતે ક્રિકેટર-હસબન્ડની પાછળ તે ઊભાં હોય પણ ગઈ કાલે પહેલી વાર એવું બન્યું કે રીવાબાના વિજય સરઘસમાં રવીન્દ્ર જાડેજા તેમની પાછળ ઊભો હતો. રીવાબાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીત પછી એટલું તો કહીશ જ કે જામનગરને જે પ્રૉમિસ કર્યાં છે એ પ્રૉમિસ તો પૂરાં કરીશ જ પણ સાથોસાથ મેં પૉલિટિક્સમાં આવતી વખતે જાતને પણ જે પ્રૉમિસ કર્યાં હતાં કે મારે આ કામ કરવું છે કે પેલું કામ કરવું છે... તો એ બધાં પ્રૉમિસ પણ પૂરાં કરીશ; જેમાં નાનાં ગામોમાં વિમેન એમ્પાવરમેન્ટ જોવા મળે, ગામડાંની સ્કૂલો વધુ આધુનિક બને એ દિશામાં પણ કામ કરીશ.’

gujarat gujarat elections gujarat election 2022 gujarat news ravindra jadeja jamnagar Rashmin Shah