મોદીએ આપેલા ભાષણના અંશ...
નવી દિલ્હીમાં બીજેપીના હેડક્વૉર્ટરમાં ગઈ કાલે ગુજરાતમાં મળેલા વિજયની ઉજવણી દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હીમાં બીજેપીના હેડક્વૉર્ટરમાં ગુજરાતમાં મળેલા વિજયની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. આમ આદમી પાર્ટી (આપ)એ કૉન્ગ્રેસના મતમાં ફાચર મારતાં બીજેપીએ ગુજરાતમાં શાનદાર વિજય મેળવ્યો હતો. મોદીએ આપેલા ભાષણના અંશ...
- હું દિલ્હી, ગુજરાત અને હિમાચલના લોકોનો આભાર માનું છે. બીજેપીને દેશભરમાંથી પ્રેમ મળી રહ્યો છે. માત્ર ગુજરાતમાં જ નહીં, અમે યુપીના રામપુરની પેટાચૂંટણીમાં પણ વિજય મેળવ્યો છે.
- આ ચૂંટણીમાં લોકોએ સાચા અર્થમાં લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. એક પણ બૂથમાં ફેરમતદાનની જરૂર નથી પડી.
- હિમાચલ પ્રદેશમાં હાર-જીતનો તફાવત ૧ ટકા કરતાં ઓછો રહ્યો છે. અહીં ક્યારેય આવું બન્યું નથી. રાજ્યમાં પહેલી વખત આટલું પાતળું માર્જિન નોંધાયું છે.
- દેશના લોકો બીજેપીને કેમ ચાહે છે, કારણ કે તેમને ખબર છે કે બીજેપીમાં જ કઠોર નિર્ણય લેવાની હિંમત છે. સમયની સાથે બીજેપીના સતત વધી રહેલા સમર્થનમાં પણ આ વાત દેખાઈ છે.
- ૨૫ વર્ષથી સત્તામાં હોવા છતાં બીજેપી માટે ગુજરાતનો પ્રેમ અભૂતપૂર્વ છે. એણે તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે અને ઇતિહાસ રચ્યો છે.