09 December, 2022 09:37 AM IST | Ahmedabad | Manoj Joshi
ગાંધીનગરમાં ગઈ કાલે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની જીતનું ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરી રહેલા બીજેપીના કાર્યકરો. (તસવીર : પી.ટી.આઇ.)
બીજેપીના તમામેતમામ લોકોમાં માત્ર ત્રણ જ વ્યક્તિ એવી હતી જેઓ ૧પ૦+ સીટની વાત કરતા હતા; નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સી. આર. પાટીલ. સીક્રેટની ફૉર્મ્યુલાને એ લોકોએ સાકાર કરી બતાવી
ઇલેક્શનની એક સભા હતી, જે પૂરી થયા પછી કેટલાક લોકોએ મને પૂછ્યું હતું,
‘નથી નરેન્દ્ર મોદી ઇલેક્શન લડતા કે નથી અમિત શાહ કે સી. આર. પાટીલ, એ પછી પણ તમે તેમના નામનો ઉલ્લેખ શું કામ કરો છો?’
એ સમયે જવાબ આપ્યો નહોતો, પણ ગઈ કાલનાં રિઝલ્ટ પછી હવે એ પ્રશ્નનો જવાબ આપવાનો સમય આવી ગયો છે.
વાત દીકરાની થતી હોય તો પણ બાપને તો યાદ કરવો જ પડે.
હા, આ ત્રિમૂર્તિએ પુરવાર કર્યું છે કે એ ત્રણ ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સાચા અર્થમાં પિતા છે. તમે જુઓ તો ખરા કે કોઈ કરતાં કોઈ માણસ એવું નહોતો કહેતો કે બીજેપી ૧૫૦ બેઠક લાવી શકે છે. એકેય ઓપિનિયન પોલમાં પણ ૧૫૦ સીટનો ઉલ્લેખ નથી થયો. બીજેપી જીતશે એવું બધાએ કહ્યું, પણ કોઈની હિંમત એવી નહોતી ચાલી કે ૧પ૦+ સીટ બીજેપીને મળશે એવું કહે. અરે, ઓપિનિયન પોલ તો શું, એ પહેલાં પણ કોઈ આ વાત બોલવા તૈયાર નહોતું. એકમાત્ર ભડવીરના મોઢે સૌથી પહેલાં ૧પ૦+ બેઠકની વાત સાંભળી હતી, નામ તેમનું સી. આર. પાટીલ. સી. આર. ઑલમોસ્ટ એક વર્ષ પહેલાં જ એવું બોલતા થઈ ગયા હતા કે ૧પ૦+ સીટ સાથે બીજેપી નવો રેકૉર્ડ બનાવશે. તમે માનશો નહીં, પણ બીજેપીના જ અમુક નેતાને ત્રિમૂર્તિની આ વાત ગળે નહોતી ઊતરતી, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાત પ્રમુખ સી. આર. પાટીલે એ કરી દેખાડ્યું, જે તેમણે કહ્યું હતું. પુરવાર કરી દેખાડ્યું કે જો મહેનત કરવાની તમારી તૈયારી હોય તો નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ, સ્કાય ઇઝ ધ લિમિટ.
બીજેપી આ જીતને લાયક છે. પૂરેપૂરી ઈમાનદારી સાથે કહેવું પડે કે આવી તોતિંગ જીત, રેકૉર્ડબ્રેક જીત ખરેખર કોઈએ ધારી નહોતી અને ધારી શકે પણ નહીં. કૉન્ગ્રેસના માધવસિંહ સોલંકીના રાજમાં ગુજરાતમાં કૉન્ગ્રેસ ૧૪૯ બેઠક જીતી હતી અને એ ફિગર સુધી કોઈ પહોંચી નહોતું શક્યું, પણ બીજેપી પહોંચી અને એક પણ તોતિંગ કારણ સાથે ન હોવા છતાં પહોંચ્યું. મોદી-શાહ અને પાટીલે બીજેપીનો વોટ-પાવર એ સ્તરે પહોંચાડી દીધો છે કે જો કોઈ મોટી ઊંચ-નીચ ન આવે તો આવતાં બે વર્ષમાં આવનારા તમામ ઇલેક્શનમાં બહાર નીકળ્યા વિના, મહેનત કર્યા વિના પણ તે જીતી જાય.
વોટની ટકાવારીની વાત સાદી અને સરળ શબ્દોમાં સમજાવવાની હોય તો કહી શકાય કે ૨૦૨૨ના ઇલેક્શનમાં જે વોટિંગ થયું છે એમાંથી દર બીજો વોટ બીજેપીને મળ્યો છે! હા, ૫૦ ટકાથી વધારે જનાધાર બીજેપીએ ગુજરાતમાં પુરવાર કર્યું છે અને એ ખરેખર મૅજિક છે અને એ મૅજિકથી પણ મોટા અચરજની વાત એ છે કે બીજેપી સતત ૨૭ વર્ષથી ગુજરાતમાં રાજ કરે છે. ૨૭ વર્ષના શાસન પછી સ્વાભાવિક રીતે લોકો પાસે પાર્ટી માટે ફરિયાદ હોય જ હોય, પણ એવું નથી એનો પુરાવો ૨૦૨૨માં મળેલો જનાધાર છે.
એક વાત કહું તમને. એવું જરાય નથી કે ગુજરાત બીજેપીથી લોકોમાં નારાજગી ન આવી હોય. નાની-મોટી નારાજગી આવી જ છે, પણ જેવા નરેન્દ્ર મોદી તેમની સામે આવે છે એટલે પેલી નારાજગીનું બાષ્પીભવન થઈ જાય છે. ખરેખર એવું જ બને છે અને આ નરેન્દ્ર મોદીનો ઓરા છે, આ તેમની પ્રતિભા છે અને તેમની આ જ પ્રતિભાએ લોકોને સમજાવ્યું પણ છે કે તેમનાથી ભૂલ થઈ શકે, પણ તેઓ ખોટું ક્યારેય ન કરી શકે.
૧પ૦+ બેઠકનો મૅજિકલ ફિગર મેળવીને બીજેપીએ ગુજરાતમાં કૉન્ગ્રેસને ખરેખર મરણતોલ ફટકો માર્યો છે. આમ આદમી પાર્ટી (એએપી - આપ) માટે તો કંઈ ગુમાવવા જેવું હતું જ નહીં, પણ હા, તે જે આશ્ચર્યજનક પરિણામની અપેક્ષા રાખતી હતી એ તો કોઈ કાળે આવવાનું નહોતું એ પણ નગ્ન વાસ્તવિકતા હતી.
આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિધાનસભામાં પોતાનું અકાઉન્ટ ઓપન કરીને ચાર-પાંચ બેઠકો અંકે કરી એ સારી વાત છે, પણ વધારે સારી વાત એ ગણાશે જ્યારે આવનારા ભવિષ્યમાં એ વિરોધ પક્ષમાં આવીને બેસવાની લાયકાત કેળવે અને એમાં પણ એ બીજેપી પાસેથી જ પ્રેરણા લે. તમે જુઓ તો ખરા વિધિની કેવી વક્રતા છે, આ દેશમાં બીજેપીથી શ્રેષ્ઠ શાસક કોઈ નથી એ પણ પુરવાર થયું છે અને બીજેપીથી બેસ્ટ કોઈ વિરોધ પક્ષ નહોતું એ પણ પુરવાર થઈ ચૂક્યું છે. સામે ઊભેલા એ સૌને એટલે જ કહેવાનું કે જીતની પ્રેરણા પણ તમારે બીજેપીના વર્તમાનમાંથી લેવાની છે અને હાર્યા પછી પણ સન્માનનીય સ્થાને બેસવાની પ્રેરણા પણ તમારે બીજેપીના ભૂતકાળમાંથી લેવાની છે.
બીજો કોઈ છૂટકો જ નથી. સિવાય કે બોલતી બંધ કરીને બેસી રહો.
(વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ)