ગોપાલ ઇટાલિયાને સંજય રાઉત પર ગુસ્સો કેમ આવ્યો?

09 December, 2022 09:17 AM IST  |  New Delhi | Rashmin Shah

આમ આદમી પાર્ટીની ગુજરાતની હાર પર શિવસેનાના નેતાએ કરેલી કમેન્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે અમે જ્યારે સિનિયર નેતાઓને માન આપીએ છીએ ત્યારે એ નેતાઓ શું કામ સ્ટોરીરાઇટર બનીને મનમાં આવે એવું લખ્યા કરે છે?

ફાઇલ તસવીર

આમ આદમી પાર્ટીએ ધાર્યું હતું એનાથી સાવ જ વિપરીત કહેવાય એવું રિઝલ્ટ ગઈ કાલે ગુજરાત ઇલેક્શનમાં આવ્યું અને સરકાર બનાવવાનું સપનું જોતી પાર્ટીના હિસ્સામાં માત્ર પાંચ જ બેઠક આવી તો સાથોસાથ મુખ્ય પ્રધાનપદના દાવેદાર તરીકે જેમને જાહેર કરવામાં આવ્યા હતા એ ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાની હાર થઈ. આ હાર પછી શિવસેનાના નેતા સંજય રાઉતે એક ટીવી-ચૅનલમાં એવી કમેન્ટ કરી કે મોદી અને આમ આદમી પાર્ટી વચ્ચે ડીલ થઈ હતી કે દિલ્હી મહાનગરપાલિકા તે આમ આદમી પાર્ટીને આપશે અને પાર્ટીએ ગુજરાત બીજેપીને આપી દેવાનું. રાઉતના આ સ્ટેટમેન્ટ પછી ગોપાલ ઇટાલિયા ખરેખર અકળાઈ ગયા હતા. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો તેમને ખબર જ હતી તો પછી શું કામ રિઝલ્ટના દિવસે જ તેમણે આ વાતની જાહેરાત કરી? બુધવારે કે પછી મંગળવારે જ તેમણે જાહેરાત કરી દીધી હોત તો અમારા બધાનો ભાંડો ફૂટી જાત અને રાઉતસાહેબની બોલબાલા વધી જાત.’

ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ‘શિવસેના અને ઉદ્ધવ ઠાકરેનો અમે આદર કરીએ છીએ. રાઉતસાહેબ પણ અમારા સિનિયર છે. એવા સમયે તેઓ આ પ્રકારનાં ઢંગધડા વગરનાં સ્ટેટમેન્ટ્સ કરે એ તેમને શોભા નથી આપતું. જો તેમને માત્ર ગપગોળા જ ચલાવવા હોય તો તેઓ હિમાચલ પ્રદેશ પણ પોતાની વાતમાં ઍડ કરી શક્યા હોત અને કહ્યું હોત કે આમ આદમી પાર્ટી, કૉન્ગ્રેસ અને બીજેપી વચ્ચે ડીલ હતી.  આવી વાહિયાત વાતો વૉટ્સઍપ પર શોભે, સિનિયરના મોઢે ન સારી લાગે.

gujarat gujarat news gujarat election 2022 gujarat elections aam aadmi party sanjay raut Rashmin Shah