05 December, 2022 10:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન થશે. રાજ્યના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે આ 93માંથી 51 બેઠકો જીતી હતી, જ્યારે કૉંગ્રેસને 39 અને 3 બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી હતી.
તે જ સમયે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ભાજપને 37 અને કૉંગ્રેસને 22 બેઠકો મળી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસનો દબદબો રહ્યો હતો અને તેણે 17 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર 14 બેઠકો મળી હતી.
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સવારે 9 વાગે મતદાન માટે અમદાવાદ પહોંચશે. પીએમ મોદીએ લોકોને બીજા તબક્કામાં મતદાન કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ખાસ કરીને યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કરવા આવવું જોઈએ. PM મોદી અમદાવાદની નિશાન પબ્લિક સ્કૂલમાં સ્થાપિત મતદાન કેન્દ્રમાં પોતાનો મત આપશે.
આ પણ વાંચો: પાટીદારોનું મૌન વૉર કે વિરોધીઓની ચાલ?
ભાજપ અને AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કૉંગ્રેસના સહયોગી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. અન્ય પક્ષોમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP એ 12 ઉમેદવારો અને બહુજન સમાજ પાર્ટી (BSP)એ 44 ઉમેદવારો ઊભા રાખ્યા છે. સોમવારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને અન્ય જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.