બીજેપી–કૉન્ગ્રેસના ઉમેદવારો સામે મતદારોએ રોષ ઠાલવ્યો

21 November, 2022 09:55 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ સહિત અનેક સ્થળોએ ચૂંટણીપ્રચાર કરવા આવવું નહીં એવાં બૅનર્સ લાગ્યાં

અમદાવાદમાં રાજકીય પક્ષો માટે નો એન્ટ્રીનું બેનર ફ્લૅટના રહીશોએ લગાવ્યું છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થતાં બીજેપી–કૉન્ગ્રેસના ઉમેદવારો સામે મતદારોએ રોષ ઠાલવવાનું શરૂ કર્યું છે. કોરોના વખતે ક્યાં હતા? ગૅસના બાટલાનો વિરોધ કરતા હતા, હવે કેમ નહીં? આ પ્રકારના વાકબાણનો સામનો બીજેપી અને કૉન્ગ્રેસના ઉમેદવારોને કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં રાપર, બેચરાજી, વાવ, નવસારી, મહુધા, દ્વારકામાં ઉમેદવારો સામે મતદારોએ બળાપો ઠાલવ્યો હતો, જ્યારે અમદાવાદ, ઉપલેટા સહિતનાં સ્થળોએ ચૂંટણીપ્રચાર કરવા આવવું નહીં એવાં બૅનરો મતદારોએ લગાવીને પોતાનો રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. રાપર બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવાર માટે પ્રચારમાં નીકળેલા કૉન્ગ્રેસનાં હાલનાં વિધાનસભ્ય સંતોકબહેન અરેઠિયાને મતદારોએ પ્રશ્નો કરીને જવાબ માગ્યો હતો. તો દ્વારકા વિધાનસભાના બીજેપીના વિધાનસભ્ય પબુભા માણેક, જામનગરના નવાગામે બીજેપીના રાઘવજી પટેલ, બેચરાજીના બીજેપીના ઉમેદવાર સુખાજી ઠાકોર, નવસારીના બીજેપીના ઉમેદવાર રાકેશ દેસાઈ, ખેડબ્રહ્માના બીજેપીના ઉમેદવાર અશ્વિન કોટવાલ, વાવનાં કૉન્ગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર, મહુધાના કૉન્ગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીત સિંહ સહિતના ઉમેદવારોને મતદારોના રોષનો ભોગ બનવું પડ્યું છે. મતદારોનાં કામો નહીં થતાં તેમ જ પાયાના પ્રશ્નો ઠેરના ઠેર રહેતા હોવાનો બળાવો ઠાલવ્યો હતો.

બીજી તરફ અમદાવાદમાં એક ફ્લૅટના રહીશોએ કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવાર તથા તેમના સમર્થકોએ ચૂંટણીપ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ નહીં કરવા સૂચના આપતું બૅનર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. તો કચ્છના ગામમાં વિધાનસભ્ય ગુમ થયા હોવાના પોસ્ટરની વિડિયો ક્લીપ વાઇરલ થઈ છે. મતદારોના સવાલોનો મારો જોતાં તેમ જ કામ નહીં થયા હોવાથી રોષ વ્યક્ત કરી રહેલા મતદારોના ઘણા વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.

gujarat gujarat news gujarat election 2022 gujarat elections ahmedabad bharatiya janata party Gujarat BJP congress Gujarat Congress