06 December, 2022 08:56 AM IST | Ahmedabad | Kiran Joshi
ફાઇલ તસવીર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં માંડ ૬૦ ટકા જેટલું મતદાન થવાથી ચોંકી ઊઠેલા ત્રણેય પક્ષોએ બીજા તબક્કામાં ભરપૂર મતદાન થાય એ માટે ભરપૂર મહેનત કરી છે. એના પરિણામ સ્વરૂપે ગઈ કાલે મતદાનમથકે લાગેલી ઍનાકૉન્ડા જેવડી લાંબી લાઇનોમાંની એક લાઇનમાં ઊભેલા મતદાર સાથે અમારા પત્રકારે વાતચીત કરી. પ્રસ્તુત છે એ (કાલ્પનિક) સંવાદના અંશ...
પત્રકાર : સૌથી પહેલાં તો તમને અભિનંદન અને તમારો આભાર કે તમે મતદાન કરવા આવ્યા.
ગ્રામજન : આર યુ ક્રેઝી ઑર વૉટ? મને તો એવું કહીને બોલાવવામાં આવ્યો છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટી ગઈ છે અને દારૂ મેળવવા માટેના ખાસ રૅશન કાર્ડની વહેંચણી ચાલે છે.
પત્રકાર : ના, એવું નથી. કોઈએ તમને ગેરમાર્ગે દોર્યા છે.
ગ્રામજન : ખરેખર? આવી તે કંઈ મજાક હોતી હશે? હું નાહી-ધોઈને તૈયાર થઈને ભઠ્ઠીએ દારૂ પીવા જ નીકળતો હતો ત્યાં એક પાર્ટીનો કાર્યકર આવીને આવું કહીને મને અહીં લઈ આવ્યો. એનો મતલબ એ કે તે હરામખોર મને ગોળી પીવડાવી ગયો. કાયમી શરાબના ચક્કરમાં મેં આજે સવારનો શરાબ પણ ગુમાવ્યો.
પત્રકાર : (ચહેરા પર સ્મિત સાથે) તો અંદર જઈને શરાબબંધી ઉઠાવવાનું જેમણે વચન આપ્યું છે એ નેતાની પાર્ટીને વોટ આપી આવજો.
ગ્રામજન : હા, શંકરસિંહ વાઘેલા વારંવાર આવી વાતો કરીને અમારા જેવાઓના મોઢામાં પાણીની રેલમછેલ કરાવી દે છે, પણ...
પત્રકાર : પણ... શું? બોલતાં-બોલતાં કેમ અટકી ગયા?
ગ્રામજન : પણ શંકરસિંહ વાઘેલાએ અત્યાર સુધી એટલી બધી પાર્ટીઓ બદલી છે કે અત્યારે મને યાદ પણ નથી કે તે કઈ પાર્ટીમાં છે. મને તો નવાઈ એ વાતની લાગે છે કે ૭૫-૮૦ની ઉંમરે તેમને કેવી રીતે યાદ રહેતું હશે કે અત્યારે તે કઈ પાર્ટીમાં છે?
પત્રકાર : શરાબબંધી હટી જાય એવું સાચે જ જો તમે ઇચ્છો છો તો દાયકાઓથી ગુજરાતમાં જેની સરકાર છે એ બીજેપીના કોઈ નેતા સમક્ષ એ વિશે રજૂઆત કેમ નથી કરતા?
ગ્રામજન : બીજેપીના નેતાઓની એક તકલીફ એ છે કે જો આપણે મોદીજીની ટીકા કરીએ તો કહે છે, ‘તમે પાકિસ્તાન કેમ ચાલ્યા જતા નથી?’ અને જો દારૂબંધીની ટીકા કરીએ તો કહે છે, ‘તમે રાજસ્થાન કે મહારાષ્ટ્ર કેમ ચાલ્યા જતા નથી?’