02 December, 2022 10:34 AM IST | Morbi | Shailesh Nayak
મોરબીમાં મતદાન માટે મતદારોની લાઇન લાગી હતી. મતદાન માટે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રમાં આવેલા મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બાદ ગઈ કાલે સંવેદનપૂર્ણ રીતે મતદાન થયું હતું. મોરબી શહેર અને જિલ્લામાં મતદાનમથક પર મતદારોની લાઇનો લાગી હતી અને મતદાનને લઈને મતદારો ઉત્સાહી હતા, એટલું જ નહીં, મોરબીમાં રહેતાં ૧૦૦ વર્ષની ઉંમર વટાવી ચૂકેલાં કેસરબા કાવરે મતદાનમથક પર જઈને મતદાન કરીને સૌકોઈને અચંબિત કરી દીધા હતા.
મોરબીમાં ૧૦૦થી વધુ ઉંમરનાં કેસરબા કાવરે મતદાન કર્યું હતું
મોરબીના મહેન્દ્રનગરમાં રહેતાં અને ૧૦૦ વર્ષથી વધુ વયનાં કેસરબા કાવરને મતદાન કરવાનું હોવાથી તેમને સપોર્ટ કરીને વ્હીલચૅરમાં બેસાડીને મતદાનમથકે લઈ જવાયાં હતાં અને તેમણે મતદાન કર્યું હતું. મતદાન કરીને બહાર આવેલાં કેસરબાએ કહ્યું હતું કે ‘હો વરહ પૂરાં થઈ ગયાં તોય મત દેવા આવી છું.’
ઉલ્લેખનીય છે કે મોરબીમાં સિનિયર સિટિઝન્સ અને દિવ્યાંગ મતદારો માટે દરેક બૂથ પર વ્હીલચૅર તથા સહાયક તહેનાત કરાયા હતા. વૃદ્ધાશ્રમના સિનિયર સિટિઝન્સ માટે સહાયક વાહન દ્વારા મતદાન કરાવવા સુવિધા કરવામાં આવી હતી.
મોરબીમાં સખી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું
મોરબી શહેર અને જિલ્લામાં સવારથી મતદારો મતદાન કરવા મતદાનમથક પર પહોંચ્યા હતા. તમામ મતદાનમથકો પર મતદાન માટે મતદારોની લાઇન લાગી હતી. સિનિયર સિટિઝન્સ અને મહિલા મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું તેમ જ પ્રથમ વાર મત આપવા આવેલા મતદારો રોમાંચ અનુભવતા હતા.
મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત સખી મતદાનમથક ઊભું કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે કુલ ૯૦૬ મતદાનમથકો હતાં એ પૈકી ૨૧ સખી મતદાનમથકો હતાં.
મોરબીના ધરમપુરમાં સિરૅમિક ઉદ્યોગની ઝાંખી કરાવતા ખાસ મતદાનમથકમાં મતદારોએ લટાર મારી હતી
મોરબી વિધાનસભાની ચૂંટણીમાં ધરમપુર ખાતે ઊભા કરાયેલા સિરૅમિક ઉદ્યોગની ઝાંખી કરાવતા ખાસ મતદાનમથકમાં મતદારોએ રોમાંચ અનુભવ્યો હતો. વિવિધ પ્રકારની ટાઇલ્સ અને સૅનિટરીવેરની વિવિધ પ્રોડક્ટના પ્રદર્શનમાં મતદારોએ લટાર મારી હતી.