18 April, 2023 12:40 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સૌરાષ્ટ્ર-તામિલ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, તેલંગણ અને પૉન્ડિચેરીના રાજ્યપાલ તામિલસાંઈ સૌંદરરાજન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, ગુજરાતના આરોગ્ય પ્રધાન હૃષીકેશ પટેલ, પ્રવાસન પ્રધાન મુળુ બેરા, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કર્યું હતું.
ગુજરાતના સોમનાથમાં ગઈ કાલથી શરૂ થયેલા સૌરાષ્ટ્ર-તામિલ સંગમ કાર્યક્રમમાં દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘સીમા સુરક્ષા, આર્થિક સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, સામાજિક સુરક્ષા, સાઇબર સુરક્ષાની સાથે-સાથે આજે દેશમાં સંસ્કૃતિની સુરક્ષા પણ અનિવાર્ય છે. કોઈ પણ રાષ્ટ્રની સરહદને સુરક્ષિત રાખવા સીમા સુરક્ષા જરૂરી છે એવી જ રીતે એની અસ્મિતાને જાળવી રાખવા માટે સાંસ્કૃતિક સુરક્ષા પણ ખૂબ જરૂરી છે. દેશના સાંસ્કૃતિક પુનઃ જાગરણ યુગના આપણે સાક્ષી બન્યા છીએ.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, તેલંગણ અને પૉન્ડિચેરીના રાજ્યપાલ તામિલસાંઈ સૌંદરરાજન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, ગુજરાતના આરોગ્ય પ્રધાન હૃષીકેશ પટેલ, પ્રવાસન પ્રધાન મુળુ બેરા, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત સંસદસભ્યો, વિધાનસભ્યો, અધિકારીઓ અને ગુજરાત તેમ જ તામિલનાડુના નાગરિકોની ઉપસ્થિતમાં ગઈ કાલથી સૌરાષ્ટ્ર-તામિલ સંગમ કાર્યક્રમનો આરંભ થયો હતો.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે ‘વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં તામિલનાડુ અને ગુજરાત, આ બે પ્રદેશના મિલનનો આ કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક વૈભવનાં દર્શન કરાવે છે.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જય સોમનાથ અને વણક્કમ કહીને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકારીને કહ્યું હતું કે ‘સદીઓ પહેલાં તામિલનાડુ જતા રહેલા મૂળ સૌરાષ્ટ્રના તામિલોને પોતાના મૂળ વતનની મુલાકાત કરાવવાનું અને એ રીતે બે સંસ્કૃતિઓના સંગમની ઉજવણીનો આ અનોખો કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સપનાને પૂર્ણ કરવાની દિશામાં અગત્યનો બની રહેશે.’