29 March, 2023 08:04 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
છેલ્લા કેટલાય સમયથી સમગ્ર દેશમાં હત્યાની ઘટનાઓ તો સામે આવી રહી છે, પરંતુ લોકો નિર્દય મને હત્યા કરી શરીરના ટૂકડા કરતા હોવાની પણ અસંખ્ય ઘટના પ્રકાશમાં આવી છે. આવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદ (Ahmedabad Crime)ના બાપુનગરમાં ઘટી છે. વાત એમ છે કે શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતો એક યુવક મોહંમદ મેરજા થોડા દિવસ પહેલા લાપતા હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી તે દરમિયાન ગુમ યુવકની આડાસંબંધમાં હત્યા થઈ હોવાનું માલુમ પડ્યું. ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું તે ગુમ યુવક તેના મિત્રની પત્નીની છેડતી કરી તેણીને અકતરફી પ્રેમ કરતો હતો. તેથી મિત્રએ તેની પત્ની સાથે મળીને યુવકને સરપ્રાઈઝના બહાને ઘરે બોલાવ્યો અને બાદમાં તેની હત્યા કરી નાખી.
આટલું જ નહીં યુવકની હત્યા બાદ તેના મૃતદેહના ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધા હતા. જે ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં મળી આવ્યાં છે. મૃતક મોહંમદ મેરજા અને ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદ મિત્રો હતા.આ મિત્રતા દરમિયાન મેરાજ સુલતાનની પત્ની રિઝવાનાની છેડતી કરતો અને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ અંગે સુલતાનને જાણ થતા તેણે પત્ની રિઝવાના સાથે મળીને મેરાજની હત્યાની સાજિશ રચી અને સરપ્રાઇઝ આપવાના બહાને મેરજાને ઘરે બોલાવ્યો હતો.
મેરજા સુલતાનના ઘરે પહોંચ્યો તો સુલતાનની પત્ની રિઝવાનાએ આંખે પટ્ટો બાંધ્યો અને સરપ્રાઇઝ આપવા કહ્યું હતું. આ દરમિયાન સુલતાને મેરજા પર તલવાર વડે હુમલો કર્યો હતો. સુલતાને મેરજાના પેટમાં તલવાર મારી આરપાર કરી દીધી હતી. તેમજ રોષ સાથે માથું પણ ધડથી અલગ કરી નાખ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ મૃતદેહના ટુકડા કરીને તેને ઓઢવ કેનાલમાં ફેંકી દીધાં હતાં.
આ પણ વાંચો: ૧૧ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા
મેરજા ઘરે ન પહોંચતા પરિવારે ગુમ હોવાની પોલીસને ફરિયાદ કરી હતી. ફરિયાદ સાથે પરિવારે મિત્ર સુલતાન અને તેની પત્ની રિઝવાનાનું નામ પણ લખાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમીના આધાર ક્રાઈમ બ્રાન્ચે સુલતાન અને તેની પત્નીની અટકાયત કરીને પૂછપરછ કરી હતી, જેમાં તેમણે કાવતરું ઘડી મેરજાની હત્યા કરી હોવાનો ગુનો કબૂલ્યો હતો.