09 August, 2024 07:21 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં થયેલા વિવિધ કાંડમાં દોષીઓને સજા અને પીડિતોને ન્યાય મળે એ માટે ગુજરાત કૉન્ગ્રેસ આજથી મોરબીથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા યોજશે. ૧૫ દિવસ ચાલનારી આ યાત્રામાં રાજકોટના ગેમ ઝોન ખાતે સંવેદના-સભા યોજાશે.
સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું કે ‘મોરબીથી શરૂ થનારી ન્યાય યાત્રામાં કૉન્ગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો તેમ જ પીડિત પરિવારના સભ્યો સહિત ગુજરાતના લોકો જોડાશે. આ પદયાત્રામાં ૧૦૦ પદયાત્રીઓ કાયમી રહેશે, જ્યારે જે-તે જિલ્લામાં પદયાત્રા આવશે ત્યારે ત્યાંના કૉન્ગ્રેસના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો જોડાશે. મોરબીથી શરૂ કરીને ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ થઈને ૨૩ ઑગસ્ટે ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચશે. ન્યાય યાત્રા જ્યાંથી નીકળશે ત્યાં પ્રજાને થયેલા અન્યાય-અત્યાચારની ફરિયાદ આપી શકશે.’
ગુજરાત કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘છેલ્લા ત્રણ દાયકાથી BJPના શાસનમાં મોરબી પુલ કાંડ, વડોદરા હરણી બોટ કાંડ, સુરત તક્ષશિલા આગ કાંડ, અમદાવાદ કાંકરિયા રાઇડ કાંડ, ગેમઝોન આગ કાંડ અને પેપરલીક કાંડનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે ત્યારે દોષીઓને સજા થાય અને પીડિતોને ન્યાય મળે એ માટે મોરબીથી નીકળીને ગાંધીનગર સુધી ન્યાય યાત્રા જશે.’