27 July, 2022 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોજીદ ગામે સ્મશાનયાત્રામાં ગુજરાત કૉન્ગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ નનામીને કાંધ આપી હતી.
અમદાવાદ ઃ ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થતાં ખળભળાટ મચી ગયો છે. સરકારી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ છે ત્યારે બીજી તરફ ૬૫ લિટર કેમિકલથી સર્જાયેલા લઠ્ઠાકાંડને કારણે મૃત્યુ પામેલા ૨૮થી વધુ લોકોની ગઈ કાલે સ્મશાનયાત્રા નીકળતાં બરવાળા અને બોટાદ તાલુકાનાં અનેક ગામડાંઓમાં માતમ છવાયો હતો. એમાં પણ રોજીદ ગામે ૧૨ જેટલા લોકોનાં પીધા પછી મૃત્યુ થતાં તેમની સ્મશાનયાત્રા નીકળતાં જાણે આખું ગામ હીબકે ચડ્યું હતું.
જે ગામમાં ૧૨ લોકોનાં પીધા પછી મૃત્યુ થયાં છે એ રોજીદ ગામમાં મહિલા બૂટલેગર ગજુ વડોદરિયા બિન્દાસ દારૂનો ધંધો કરતી હતી. આ મહિલા બૂટલેગર લિસ્ટેડ બૂટલેગર છે. જોકે લઠ્ઠાકાંડ સર્જાતાં પોલીસે તેની ધરપકડ કરી છે. જોકે આ મહિલા બૂટલેગરના ત્યાંથી મિક્સ કરેલો દારૂ પીને રોજીદ ગામના ૧૨ લોકોનાં મૃત્યુ થતાં રોજીદ ગામમાં માતમ છવાઈ ગયો હતો. ગુજરાત કૉન્ગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના કૉન્ગ્રેસના આગેવાનોએ ગઈ કાલે રોજીદ ગામે મરનારની સ્મશાનયાત્રામાં નનામીને કાંધ આપી હતી અને તેમના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. બીજી તરફ ગુજરાત સરકારના પ્રધાનો હૃષીકેશ પટેલ તેમ જ જતુ વાઘાણીએ ભાવનગર અને ત્યાર બાદ અમદાવાદની હૉસ્પિટલમાં જઈને લઠ્ઠાકાંડનો ભોગ બનેલા દરદીઓને મળ્યા હતા. ગુજરાત પોલીસે આ ઘટનામાં તપાસ સમિતિ નીમી છે.