19 April, 2023 10:33 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્ત કરી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. આ પ્રસંગે ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા, વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન મુકેશ પટેલ, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર ૧૧૦ કરોડના ખર્ચે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડૅમ પ્રોજેક્ટનું ગઈ કાલે ખાતમુહૂર્ત કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘આના કારણે દરિયાની ભરતીનાં પાણી નદીમાં પ્રવેશતાં અટકશે, જેના લીધે સપાટી પરની તેમ જ ભૂગર્ભ જળની ખારાશ અને ખેતીલાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે.’
ભૂપેન્દ્ર પટેલે અહીં ગણદેવી અમલસાડ માર્ગ પર ધમડાછા પાસે અંબિકા નદી ઉપર ડુબાઉ પુલના સ્થાને નવનિર્મિત હાઈ લેવલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું તેમ જ ચીખલી ખાતે ૩૬ કરોડના ખર્ચે નિર્માણ થનારી ૧૦૦ બેડની સબડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ સહિતનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટથી ૧૮ કિલોમીટર લંબાઈનું વિશાળ જળાશય બનશે, જેમાં ૨૫૫૦ લાખ ઘનફુટ મીઠા પાણીનો સંગ્રહ થશે.
મીઠા પાણીના સરોવર બનતાં આસપાસની જમીનનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે. આસપાસનાં ૨૧ ગામોની ૪૨૦૦ એકર જમીનને સિંચાઈનો ફાયદો થશે.’ આ પ્રસંગે ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા, ગુજરાત બીજેપીના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. આ પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન મુકેશ પટેલ, વિધાનસભ્યો, અધિકારીઓ તેમ જ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.