ગુજરાતના ૩,૭૦,૨૫૦ કરોડ રૂપિયાના વિક્રમી અંદાજપત્રમાં શું છે?

21 February, 2025 11:28 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ માટે ૧૯,૬૯૫ કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત સાથે ગુજરાતે એક દાયકા કરતાં વધુ સમયથી મહેસૂલી પુરાંત જાળવી રાખવાનો ટ્રૅક રેકૉર્ડ જાળવી રાખ્યો છે.

બજેટ રજૂ કરવા આવેલા ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની ટીમ સાથે.

ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગઈ કાલે રજૂ કરેલા બજેટમાં માર્ગોની કનેક્ટિવિટી, મહિલાઓના ઉત્થાન, વિદ્યાર્થીઓના અભ્યાસ, નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવાની સાથે ૨૦૩૬માં ભારતમાં ઑલિમ્પિક્સ યોજાય એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના પગલે સ્પોર્ટ્‍સને ખાસ મહત્ત્વ આપવા ઉપરાંત નાગરિકોને સ્પર્શતાં તમામ ક્ષેત્રોને આવરી લઈને સુગ્રથિત બજેટ રજૂ કર્યું હતું.

ગુજરાતની કલાથી સુશોભિત લાલ કલરની પોથી.

કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭ થકી વિકસિત ભારત ૨૦૪૭નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત ૨૦૨૫-’૨૬નું ૩,૭૦,૨૫૦ કરોડ રૂપિયાનું વિક્રમી અંદાજપત્ર રજૂ કરું છું.’

ગુજરાત સરકારે રજૂ કરેલું આ બજેટ પાછલા વર્ષની સરખામણીએ ૩૭,૭૮૫ કરોડ રૂપિયા જેટલું વધારે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ માટે ૧૯,૬૯૫ કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત સાથે ગુજરાતે એક દાયકા કરતાં વધુ સમયથી મહેસૂલી પુરાંત જાળવી રાખવાનો ટ્રૅક રેકૉર્ડ જાળવી રાખ્યો છે.

બજેટની બૅગ નહીં પણ પોથી
બજેટની રેગ્યુલર બૅગ નહીં પણ ગરવા ગુજરાતની કલાથી સુશોભિત લાલ કલરની પોથી લઈને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવા આવ્યા હતા. આ પોથી પર આદિજાતિ સંસ્કૃતિનું વારલી પેઇન્ટિંગ અને કચ્છની ભાતીગળ આહીર ભરતનું ભરતકામ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત ભારતના રાજચિહ્‍‍ન અશોક સ્તંભને પણ પોથી પર દર્શાવવામાં આવ્યો હતો.

બજેટની હાઇલાઇટ્સ જોઈએ...

ઇન્ટિગ્રેટેડ ટૂરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ હેઠળ મહત્ત્વનાં પ્રવાસન સ્થળોને સાંકળતા ૧૫૦ જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવી ૨૦૦ ઍર-કન્ડિશન્ડ બસો સંચાલિત કરવામાં આવશે.

ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલિતાણા જેવાં તીર્થસ્થળોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારને ઉત્તેજન મળશે.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા એને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ૪૦૦ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.

ગીર ગાયના આનુવંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધા ઊભી કરવા ૨૩ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ખેડૂતોને ટ્રૅક્ટરની ખરીદીની સહાયમાં વધારો કરી ૧ લાખ કરવામાં આવશે તેમ જ ખેડૂતોને વિવિધ ખેત-ઓજારો, મિની ટ્રૅક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે ૧૬૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

કૅન્સરના દરદીઓએ અમદાવાદ સુધી સારવાર લેવા ન જવું પડે એ માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદરમાં સારવાર કરાવવા માટે ૧૯૮ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ મેડલ મેળવી શકે એ માટે ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારાધોરણ સાથે વિકસાવવાનું સરકારનું લક્ષ્ય છે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઑલિમ્પિક રેડિશન પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે.

અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્‍સ એન્ક્લેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્‍સ સુવિધાઓ વિકસાવવામાં આવશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ૧૨૫ કરોડની, સ્પોર્ટ્‍સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા ગાંધીનગરમાં પૅરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર બનાવવા માટે ૩૩ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

દેશભરના હાથશાળ અને હસ્તકલાના કારીગરોને કાયમી ધોરણે માર્કેટિંગ માટેનો મંચ પૂરો પાડવા વડોદરા અને ડીસામાં અર્બન હાટ સ્થાપવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સાઇબર સેન્ટર ઑફ એક્સલન્સ ફૉર સાઇબર ક્રાઇમ, સાઇબર સિક્યૉરિટી અને સાઇબર ઇન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને એ માટે ૧૧૮૬ નવી જગ્યા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૨૯૯ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

gujarat gujarat government union budget Education Olympics finance news gujarat news news