24 February, 2023 10:57 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
અમદાવાદ : ગુજરાતમાં આ વર્ષે સારી ક્વૉલિટીની ડુંગળીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થયું હોવા છતાં પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ભાવનગર, તળાજા, ઘોઘા, મોરબી પંથકમાં ડુંગળીનો મબલક પાક છતાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતાં રોષ ફેલાયો છે.
મોરબી પંથકમાં આ વખતે સારી ક્વૉલિટીની ડુંગળી હોવા છતાં યોગ્ય ભાવ નથી મળી રહ્યા એવી ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોએ વિડિયો-ક્લિપ પણ વાઇરલ કરી છે. ભાવનગર તળાજા, ઘોઘા સહિતના વિસ્તારોમાં ડુંગળીની સારી આવક થઈ છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં હજ્જારોની સંખ્યામાં ડુંગળીની બોરીઓ ખડકાઈ ગઈ છે, પણ ભાવ મળતા નથી. ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે ડુંગળીના ઉત્પાદન માટે ખર્ચ કરવાનો, એની જાળવણી માટે ખર્ચ કરવાનો, મજૂરીખર્ચ ચૂકવવાનો, યાર્ડ સુધી પાક લાવવાનાં ભાડાં વધી ગયાં છે, ડુંગળીના ઉત્પાદનનો ખર્ચ વધી ગયો છે, પણ ખર્ચ કરતાં અડધા ભાવ માંડ મળે છે. ૧૦ વર્ષ પહેલાં જે ભાવ મળતો હતો, આજે પણ એ જ ભાવ મળે છે. સરકાર કોઈ ઠોસ પગલાં ભરીને યોગ્ય ભાવ આપે એવી માગણી ખેડૂતો કરી રહ્યા છે.