03 August, 2023 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચોમાસાની આ મોસમમાં ગુજરાતમાં આંખોના રોગમાં ઉછાળો આવ્યો છે. આંખોના દુખાવા સહિત આંખોને લગતી ફરિયાદો સાથે અત્યાર સુધીમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં નાનાં-મોટાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૨.૧૭ લાખ કેસ નોંધાયા છે.
ગુજરાતના આરોગ્ય પ્રધાન અને પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘આંખ આવવાના ૨.૧૭ લાખ જેટલા કેસ નોંધાયા છે. આંખના માટે ચાર મુખ્ય દવાઓ પૈકી બે દવાનો ૨૬ લાખ અને બીજી દવાનો ચારથી પાંચ લાખનો જથ્થો અવેલેબલ છે. માનો કે કોઈને આંખ વધારે દુખે તો એનાથી અપર દવાઓ ઉપલબ્ધ છે.’
નોંધપાત્ર છે કે રાજ્ય સરકારે આ સંબંધમાં ઍડ્વાઇઝરી ઇશ્યૂ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આંખોની સમયસર સારવાર અને સમસ્યા વધુ ન ફેલાય એ માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. પોતાના હાથ અને મોં સ્વચ્છ રાખવા પણ જણાવવામાં આવ્યું છે.