પાકિસ્તાન સરહદથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી બન્યું દેશનું સૌપ્રથમ સરહદી સોલર વિલેજ

19 December, 2024 08:46 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૮૦૦ની વસ્તી ધરાવતા આ ગામનાં ૧૧૯ ઘરોનાં છાપરાં પર લાગ્યાં સોલર રૂફટૉપ : રોજની ઉત્પન્ન થાય છે ૨૨૫.૫ કિલોવૉટ વીજળી : ૨૪ કલાક વીજળી મળવાનું શરૂ થતાં ગામવાસીઓમાં ખુશીનો માહોલ

મસાલી ગામનાં ઘરોનાં છાપરાં પર લાગેલાં સોલર રૂફટૉપ

ઉત્તર ગુજરાતને અડીને આવેલી પાકિસ્તાન સરહદથી ૪૦ કિલોમીટર દૂર આવેલું બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાનું મસાલી ગામ દેશનું પહેલું સરહદી સોલર વિલેજ બન્યું છે. ૮૦૦ જણની વસ્તી ધરાવતા આ ગામનાં ૧૧૯ ઘરોનાં છાપરાં પર સોલર રૂફટૉપ લગાવી દેવામાં આવ્યાં છે અને એના દ્વારા રોજની ૨૨૫.૫ કિલોવૉટ વીજળી ઉત્પન્ન થતાં અને ૨૪ કલાક બિના રોકટોક વીજળી મળતાં ગામવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તારમાં પહેલું સોલર ગામ મસાલી બન્યું છે. કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં એક કરોડ સોલર ઘર બનાવવા માટેની નેમ લીધી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલાં ૧૭ જેટલાં ગામોને સોલર વિલેજ બનાવવા માટે પહેલ કરવામાં આવી છે. બૉર્ડર પર આવેલાં ગામોમાં ૨૪ કલાક વીજળી મળી રહે એ માટે બૉર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સરહદ પાસે આવેલા વાવ તાલુકાનાં ૧૧ ગામો અને સુઇગામ તાલુકાનાં ૬ ગામો મળીને કુલ ૧૭ ગામોને સોલર વિલેજ બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે અને એના ભાગરૂપે મસાલી ગામમાં કામ પૂરું કરવામાં આવ્યું છે અને બીજાં ગામોમાં આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે.’  

જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલર આધારિત ગામ બન્યું છે. રેવન્યુ વિભાગ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL), બૅન્ક અને સોલર કંપનીના સહયોગથી ૧ કરોડ ૧૬ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો જેમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત ૫૯.૮૧ લાખની સબસિડી, ૨૦.૫૨ લાખ રૂપિયાનો લોકફાળો અને ૩૫.૬૭ લાખ કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) થકી પ્રોજેકટ અમલી બનાવ્યો છે.

banaskantha gujarat gujarat news