ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડનાર ભુજ બીએસએફ હેડ ક્વૉર્ટરનો પ્યુન ઝડપાયો

09 July, 2023 10:52 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની મહિલા એજન્ટે મિત્રતા કેળવીને પૈસાની લાલચ આપીને ફસાવ્યો, નીલેશ બળિયા ગુપ્ત અને સંવેદનશીલ માહિતી વૉટ્સઍપથી પાકિસ્તાની મહિલા એજન્ટને મોકલતાં ગુજરાત એટીએસના હાથે ઝડપાયો

નીલેશ બળિયાની એટીએસે ધરપકડ કરી હતી

રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને વૉટ્સઍપ દ્વારા મોકલી આપનાર ભુજ બીએસએફ હેડ ક્વૉર્ટરની ઑફિસના પટાવાળા નીલેશ બળિયાની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે.

ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. બી. બસિયાને બાતમી મળી હતી કે કચ્છના ભુજમાં બીએસએફ હેડ ક્વૉર્ટરની ઑફિસમાં નોકરી કરતા નીલેશ વાલજી બળિયા બીએસએફની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ વૉટ્સઍપ દ્વારા પાકિસ્તાનના એજન્ટને તેના વૉટ્સઍપ પર મોકલે છે. આ બાતમીના આધારે એટીએસની ટીમે ટેક્નિકલ વર્કઆઉટ કરીને નીલેશ બળિયાની પૂછપરછ કરતાં તેણે એકરાર કર્યો હતો કે તે છેલ્લાં પાંચેક વર્ષથી ભુજમાં બીએસએફ બટાલિયન–૫૯ના હેડ ક્વૉર્ટરમાં સીપીડબ્લ્યુડીના ઇલેક્ટ્રિક વિભાગની ઑફિસના પટાવાળા તરીકે નોકરી કરે છે. તે જાન્યુઆરી ૨૦૨૩માં વૉટ્સઍપ દ્વારા અદીતી તિવારી નામ ધરાવતી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે સંપર્કમાં આવ્યો હતો.

એટીએસને પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી જાણવા મળી હતી કે આ મહિલા એજન્ટે નીલેશને કહ્યું હતું કે તેની પાસે ભારતીય સીમા સુરક્ષા તેમ જ બીએસએફને લગતી સંવેદનશીલ અને ગુપ્ત માહિતી હોય તો એ માહિતી વૉટ્સઍપ પર મોકલી આપે અને આ કાગળો તેના કામના હશે તો સારા એવા પૈસા આપવામાં આવશે. પૈસાની લાલચમાં આવી નીલેશ બળિયાએ આ કામ કરવા માટે હા પાડી હતી. ત્યાર બાદ જાન્યુઆરી ૨૦૨૩થી ૨૮-૦૬-૨૦૨૩ સુધી તેણે બીએસએફના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતાં બાંધકામ અને નવાં થનારાં બાંધકામ વિશેની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મોકલી આપી છે. આ માટે પાકિસ્તાની એજન્ટ દ્વારા નીલેશના બૅન્ક-અકાઉન્ટમાં ટુકડે-ટુકડે ૨૮,૮૦૦ રૂપિયા મોકલ્યા હતા.

એટીએસે નીલેશના ફોનની એફએસએલ દ્વારા ટેક્નિકલ ઍનૅલિસિસ કરતાં એમાંથી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથેની વૉટ્સઍપ ચૅટ તેમ જ કૉલ તથા મોકલેલી સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના પુરાવા મળી આવ્યા હતા. 

pakistan bhuj gujarat gujarat news