23 May, 2023 11:28 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગુજરાતના યુવાનોનું બ્રેઇનવૉશ કરી અલ-કાયદામાં જોડી કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરતાં તેમ જ ફન્ડિંગ એકઠું કરી રહેલા બંગલાદેશના ચાર ઇસમોને ગુજરાત ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)એ પકડી પાડ્યા હતા. આતંકવાદી સંગઠનના આ સભ્યો અમદાવાદમાં સક્રીય હતા અને અહીંથી તેમનું નેટવર્ક ચલાવતા હતા.
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર બંગલાદેશીઓ અમદાવાદમાં ગેરકાયદે રહેતા હતા અને મુસ્લિમ યુવાનોને અલ-કાયદામાં જોડાવા પ્રેરિત કરતા હતા. તેમના ઘરમાંથી અલ-કાયદાનું સાહિત્ય મળી આવ્યું છે. એટલું જ નહીં, આ શખ્સો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના લોકોના પણ સંપર્કમાં હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં બીજેપીના એમએલએ અને એમપી ફ્રીમાં બતાવશે ‘ધ કેરલ સ્ટોરી’
ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે બંગલાદેશી નાગરિકો સોજીબમિયા, આકાશ ખાન, મુન્ના ખાન અને અબ્દુલ લતિફ નામના માણસો બંગલાદેશથી ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી કરીને બોગસ આઇડી પ્રૂફ બનાવીને અમદાવાદમાં ઓઢવ અને નારોલ વિસ્તારમાં રહે છે. આ ચારેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલ-કાયદામાં જોડાવવા પ્રેરિત કરે છે તેમ જ અલ-કાયદા તન્ઝિમનો ફેલાવો કરવા માટે ફન્ડ ઉઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. આ માહિતીના આધારે ગુજરાત એટીએસે પ્રાથમિક તપાસ હાથ ધરીને મોહમ્મદ સોજીબમિયા અહેમદઅલીની પૂછપરછ કરી હતી.
મોહમ્મદ સોજીબની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે તે અને તેના સાગરીતો મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મુન્ના ખાન, અઝારુલ ઇસ્લામ કફિલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશ ખાન પણ અલ-કાયદા સાથે જોડાયેલા છે અને ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરી ખોટા દસ્તાવેજોના આધારે ભારતમાં રહીને અલ-કાયદા માટે ફન્ડ એકત્ર કરવાનું અને એની વિચારધારા ફેલાવવાનું કામ કરી રહ્યા હતા.