16 August, 2022 04:33 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાંધણ ગેસ અને શાકભાજીના વધતા ભાવની વચ્ચે દૂધના ભાવમાં વધારો થતા ગૃહિણીનું મહિનાનું બજેટ ખોરવાય ગયું છે. અમૂલ ગોલ્ડ (Amul Gold) અને અમૂલ શક્તિ (Amul Shakti) સહિત અમૂલદૂધમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો આવતીકાલથી એટલે કે ૧૭ ઓગસ્ટથી લાગુ પડશે. અમૂલે છેલ્લા છ મહિનામાં બીજીવાર લિટર દીઠ ભાવવધારો કર્યો છે.
અમૂલ દૂધના ભાવમાં થયેલો આ વધારો દિલ્હી અને NCR, પશ્ચિમ બંગાળ, મુંબઈ અને અન્ય તમામ સ્થળો જ્યાં અમૂલ ઉત્પાદનોનું વેચાણ થાય છે ત્યાં લાગૂ પડશે. ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્ર સિવાય લાગૂ થશે.
અમૂલે જણાવ્યું છે કે, ગત વર્ષની સરખામણીએ પશુઓના ખોરાકનો ખર્ચ આશરે ૨૦ ટકા વધી ગયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમારા સભ્ય યુનિયનોએ પણ ખેડૂતોના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ આઠથી નવ ટકા વધારો કર્યો છે. અમૂલ કંપની દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ ૮૦ પૈસા ચૂકવે છે. એટલે ભાવમાં વધારો દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.
તમને જણાવી દઈએ કે, અમૂલે છેલ્લા છ મહિનામાં બીજીવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલાં ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
જાણી લો નવા ભાવ :
દૂધનો પ્રકાર |
લિટર |
નવો ભાવ |
નવો ભાવ |
અમૂલ ગોલ્ડ |
અડધો લિટર |
૩૦ |
૩૧ |
અમૂલ ગોલ્ડ |
એક લિટર |
૫૯ |
૬૧ |
અમૂલ તાજા |
અડધો લિટર |
૨૫ |
૨૬ |
અમૂલ તાજા |
એક લિટર |
૪૯ |
૫૧ |
અમૂલ શક્તિ |
અડધો લિટર |
૨૭ |
૨૮ |
અમૂલ શક્તિ |
એક લિટર |
૫૩ |
૫૫ |
અમૂલ દૂધના ભાવમાં વધારાની જાહેરાતના થોડાક જ સમય બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રુપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. મધર ડેરીના વધેલા ભાવ પણ આવતીકાલથી લાગુ થશે.