02 November, 2023 12:10 PM IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી
એજ્યુકેશન સાથે રોમાંચનો અનુભવ કરાવીને સાયન્સ સહિતના વિષયોનું ગમ્મત સાથે જ્ઞાન પીરસીને વિદ્યાર્થીઓ સહિત દુનિયાભરના સહેલાણીઓને એજ્યુકેટ કરતી વિશ્વવિખ્યાત અમદાવાદની સાયન્સ સિટીમાં વધુ નવાં આકર્ષણોનો ઉમેરો થઈ રહ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવાં ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની ગઈ કાલે સમીક્ષા કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની મુલાકાત લઈને અધિકારીઓ સાથે સમીક્ષા-બેઠક યોજી હતી. તેમણે અહીં આવેલી જુદી-જુદી ગૅલરીઓ અને વિવિધ પ્રોજેક્ટસની વિશેષતાઓ તથા એને વધુ સારી સુવિધાસભર બનાવવા વિશે ચર્ચા કરી હતી. આગામી સમયમાં અન્ય નવાં આકર્ષણો ઊભાં થઈ રહ્યાં છે એ વિશે માહિતી મેળવી હતી. સાયન્સ સિટીમાં અંદાજે ૭૫૦ કરોડના ખર્ચે હ્યુમન ઍન્ડ બાયોલૉજિકલ સાયન્સ ગૅલેરી તેમ જ એવિયેશન ઍન્ડ ડિફેન્સ ગૅલરીનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્ક પણ બનાવાશે. હાલમાં મ્યુઝિકલ ફાઉન્ટન છે એના અપગ્રેડેશન અને વધુ આકર્ષક બનાવવા સાથે ઍસ્ટ્રોનૉમી ઍન્ડ સ્પેસ સાયન્સ ગૅલરીનું નિર્માણકાર્ય પણ અગ્રીમ તબક્કામાં છે. સાયન્સ સિટીની મુલાકાતે આવનારા મુલાકાતીઓ પોતે જોયેલી ગૅલરીઓ અને અન્ય આકર્ષણો અનુરૂપ પોતાના પ્રયોગાત્મક વિચારો, કાર્યો અભિવ્યક્ત કરી શકે એ માટે ઓપન ઍર સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી એક્સપ્લોરેટોરિયમ પણ બનાવવાનું આયોજન છે.
ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી જોવા આવતા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, વિજ્ઞાનપ્રેમી યુવાઓ પોતાના અનુભવો અને સાયન્સ સિટીની વ્યવસ્થા વિશેના ફીડબૅક માટે અદ્યતન કિયોસ્ક, ટચ સ્ક્રીન ટેક્નૉલૉજી વગેરેને કાર્યરત કરવા સૂચન કર્યું હતું. તેમણે સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી વિભાગ તેમ જ સાયન્સ સિટીના અધિકારીઓ સાથેની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને સમયબદ્ધ આયોજન સાથે નવી ગૅલરી અને પાર્કના નિર્માણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. ૨૦૧૨થી ૨૦૨૩ના દસકામાં અંદાજે ૭૭ લાખ લોકો તેમ જ ૨૦૨૨ના એક જ વર્ષમાં ૧૨.૩૯ લાખ લોકોએ સાયન્સ સિટી જોઈ હતી.