સાત કિલોમીટર દૂરથી દર્શન થશે દાદાનાં

05 April, 2023 02:55 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

જગપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કિંગ ઑફ સાળંગપુરની ૫૪ ફુટ ઊંચી, ૩૦,૦૦૦ કિલોની પંચધાતુની વિરાટ પ્રતિમાનું આજે થશે લોકાર્પણ : ગૃહપ્રધાન ૬ એપ્રિલે કરશે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન

સાળંગપુરમાં બનેલી હનુમાનજીની ૫૪ ફુટ ઊંચી વિશાળ મૂર્તિ.

ગુજરાતમાં આવેલા જગપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કિંગ ઑફ સાળંગપુર  હનુમાનદાદાની ૫૪ ફુટ ઊંચી વિરાટ પ્રતિમાનું આજે લોકાર્પણ થશે. આ વિરાટ પ્રતિમાની વિશેષતા એ બની રહેશે કે ભાવિકોને સાત કિલોમીટર દૂરથી પણ દાદાનાં દર્શન થઈ શકશે. એટલું જ નહીં, ગુજરાતના સૌથી વિશાળ ભોજનાલયને મંદિર પરિસમાં ખુલ્લું મૂકવામાં આવશે.

યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતી નિમિત્તે બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે હનુમાનદાદાની ૫૪ ફુટ ઊંચી વિરાટ પ્રતિમાનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના સાંનિધ્યમાં અનાવરણ થશે. ૩૦,૦૦૦ કિલો વજનની પંચધાતુમાંથી બનેલી આ વિશાળ મૂર્તિ હરિયાણાના ગુરગ્રામમાં બની હતી.

હનુમાનજી મંદિરની પાછળના ભાગમાં ૧,૩૫,૦૦૦ સ્ક્વેર ફુટ વિસ્તારમાં આ વિશાળ પ્રતિમાને દક્ષિણ મુખે રાખવામાં આવી છે. ૭૨ ફુટ લાંબા, ૭૨ ફુટ પહોળા અને ૨૫ ફુટ ઊંચા બેઝ પર દાદાની મૂર્તિ મૂકવામાં આવી છે. આ મૂર્તિ ૫૦૦૦ વર્ષ સુધી અડીખમ રહેશે. મૂર્તિને ફરતે ૩૬ દેરી બનાવી છે. આ પ્રોજેક્ટને શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીએ કિંગ ઑફ સાળંગપુર નામ આપ્યું હતું. ૩૦,૦૦૦ કિલોની પંચધાતુની પ્રતિમા મંદિર પરિસરમાં મુકાઈ જે સાત કિલોમીટર દૂરથી ભાવિકોને દેખાશે. દાદાની મૂર્તિ સામે વિશાળ ગાર્ડન બનાવ્યું છે. અહીં એમ્ફી થિયેટરમાં બેસીને ૧૫૦૦ જેટલા દર્શનાર્થીઓ લાઇટ ઍન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શો માણી શકશે. ૧૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં રોજ ૨૦૦થી ૩૦૦ કારીગરો ૮ કલાક કામ કરતા હતા.

ગુજરાતના સૌથી વિશાળ ભોજનાલયને મંદિર પરિસમાં ખુલ્લું મૂકવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ ૬ એપ્રિલે સાળંગપુરમાં ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન કરશે. ૫૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ ભોજનાલયની વિશેષતા એ છે કે એમાં સાત ડાઇનિંગ હૉલમાં એકસાથે ૪૦૦૦ લોકો પ્રસાદ લેવા બેસી શકશે. ૭ વિઘામાં ૩,૨૫,૦૦૦ સ્ક્વેર ફીટમાં બિલ્ડિંગનું બાંધકામ થયું છે. ભોજનાલયમાં ૪૫૫૦ સ્ક્વેર ફુટમાં વિશાળ કીચન બનાવ્યું છે, જેમાં ૧ કલાકમાં ૨૦,૦૦૦થી વધુ લોકોની રસોઈ બની શકશે. ભોજનાલયમાં ખાસ કેવિટી વૉલ બનાવી છે, જેનાથી અંદરનું તાપમાન ઠંડું રહેશે. આ ભોજનાલયમાં શ્રીરામ લખેલી ૧૭ લાખથી વધુ ઇંટોનો ઉપયોગ થયો છે.

હનુમાનદાદાની મૂર્તિની ભવ્યતા વિશે જાણો 

હનુમાનદાદાનું મુખ – ૬.૫ ફુટ લાંબું અને ૭.૫ ફુટ પહોળું

દાદાનો મુગટ – ૭ ફુટ ઊંચો અને ૭.૫ ફુટ પહોળો

ગદા – ૨૭ ફુટ લાંબી અને ૮.૫ ફુટ પહોળી

હાથ – ૬.૫ ફુટ લાંબા અને ૪ ફુટ પહોળા

પગ – ૮.૫ ફુટ લાંબા અને ૪ ફુટ પહોળા 

પગનાં કડાં – ૧.૫ ફુટ ઊંચા અને ૩.૫ ફુટ પહોળા 

હાથનાં કડાં – ૧.૫ ફુટ ઊંચા અને ૨.૫ ફુટ પહોળા 

આભૂષણ – ૨૪ ફુટ લાંબા અને ૧૦ ફુટ પહોળા 

gujarat news shailesh nayak ahmedabad amit shah