11 March, 2020 11:22 AM IST | Surat
જેતપુર-કેવડી ગામમાં તૂટી પડેલો બ્રિજ.
સુરતમાં ધુળેટીનો દિવસ જ્યાં લોકો માટે આનંદ અને ઉજવણીભર્યો હતો ત્યાં જ સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં અલગ-અલગ ત્રણ દુર્ઘટનાઓ બની હતી હતી, જેમાં સુરત જિલ્લામાં આવેલા જેતપુર-કેવડી ગામ ખાતેના રાજ્ય સરકારના વન વિભાગના ઈકો-ટૂરિઝમ પાર્કમાં દુર્ઘટના બની હતી. અહીં તળાવ પરનો લોખંડનો બ્રિજ તૂટી પડતાં ૨૫થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના સુરત શહેરના હતા જે ધુળેટીની રજામાં અહીં ફરવા માટે આવ્યા હતા. ઈજાગ્રસ્તોને બારડોલીની સરદાર હૉસ્પિટલ અને સુરત હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યાં જ માંડવી તાલુકાના રામેશ્વર મંદિર નજીક આવેલી તાપી નદીમાં નાહવા પડેલા બાળક સહિત ત્રણનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. તાપી જિલ્લાના ઉચ્છલમાં તાપી નદીમાં હોડી પલટી મારી ગઈ હતી. આ હોડીમાં ૧૫ જેટલા લોકો સવાર હતા જેમાંથી ૬ જેટલાનો બચાવ કરવામાં આવ્યો હતો. બે જણના મૃતદેહ મળી આવ્યા છે.
વન વિભાગના અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના જેતપુર-કેવડી ગામ ખાતે રાજ્ય સરકારનો ઈકો-ટૂરિઝમ પાર્ક આવ્યો છે. આજે ધુળેટીની રજા હોવાથી આજે મોટી સંખ્યામાં પર્યટકો ઈકો પાર્કમાં ઉજવણી કરવા ઊમટી પડ્યા હતા. અહીંથી પસાર થતી નદીને પાર કરવા માટે ઈકો પાસેના બન્ને છેડાના જંગલમાં ૨૫થી ૩૦ ફીટ ઊંચો લોખંડનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આજે બપોરના સમયે જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આથી ૨૫થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બ્રિજ તૂટી પડતાં નાનીમોટી ઈજા પહોંચી હતી. તેમને પહેલાં માંડવીની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે કેટલાકને ત્યાર બાદ બારડોલી અને સુરતની નવી સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના પ્રવાસીઓ સુરત શહેરના હતા. સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં મોક્ષ મુકેશ ગામી, રીના મનીષ ગામી, દક્ષા ઘનશ્યામ ફાસરા અને દયાબહેન અશ્વિન ચોથાણીને સારવાર આપવામાં આવી હતી.
માંડવીના રામેશ્વરમાં ત્રણ જઈ ડૂબ્યા.
તાપી જિલ્લામાં હોળીની રજામાં તાપી નદીના કિનારે આવેલા ઉચ્છલ તાલુકાના ભીસકુદ ગામ ખાતે આવેલી તાપી નદીમાં હોડીમાં સવાર થઈને ૧૩ જેટલા લોકો જઈ રહ્યા હતા. આજે બપોર બાદ ભારે પવન ફૂંકાવાને પગલે એક હોડી પલટી મારી ગઈ હતી. લોકોની બૂમાબૂમ થતાં કિનારે હાજર લોકો અને સ્થાનિક તરવૈયાઓ મદદે ગયા હતા, જેમાં ૬ જણને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે એક બાળકી અને એક વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા હતા. અન્ય લોકોને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓની સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ મહેનત કરી રહી છે.
સુરત જિલ્લાના માંડવી ખાતેના રામેશ્વર મંદિર નજીક આવેલી તાપી નદીમાં નાહવા પડેલા સુરતના ત્રણ જણનાં મોત નીપજ્યાં છે જેમાં સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા અતુલ સેંજલભસ્મિયા, શાંતિભાઈ સેંજલભસ્મિયા અને રુદ્રાક્ષ અશ્વિનભાઈ કાથરોટિયાનાં મૃત્યુ નીપજ્યાં છે. આમ ધુળેટીનો તહેવાર અનેક પરિવારો માટે દુઃખમાં પરિણમ્યો હતો.