૨૪ કલાક સુધી દરિયામાં પાટિયું પકડી રાખી મોતને માત આપી સુરતી ટીનેજરે

02 October, 2023 09:50 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

૧૪ વર્ષના સુરતના લખને હિંમત હાર્યા વિના મગજ શાંત રાખીને શ્વાસ લીધા અને નક્કી કર્યું કે મારે જીવવું છે અને મોતને મહાત આપી જિંદગી જીતી ગયો

નવસારીની હૉસ્પિટલમાં લખન, દરિયામાં તણાઈ રહેલો લખન (જમણે)

૧૪ વર્ષના સુરતના લખને હિંમત હાર્યા વિના મગજ શાંત રાખીને શ્વાસ લીધા અને નક્કી કર્યું કે મારે જીવવું છે અને મોતને મહાત આપી જિંદગી જીતી ગયો : દરિયાની વચ્ચે ઘૂઘવતા પાણીમાં અંધારી રાતે બિહામણા વાતાવરણમાં આ કિશોરને ભય લાગતો હતો. તેને થયું કે હવે હું મરી જઈશ, પણ હિંમત રાખીને પાટિયા પર બેસી રહ્યો. છેવટે નવસારીથી દૂર દરિયામાં માછીમારોને આ કિશોર મળી આવતાં દોરડું નાખીને તેને કિનારે લાવ્યા

દક્ષિણ ગુજરાતમાં ડુમ્મસ અને નવસારીના દરિયા વચ્ચે અંદાજે ૨૪ કલાકથી વધુ સમય સુધી ફસાયેલા ૧૪ વર્ષના સુરતના લખન વિકાસ દેવીપૂજકે હિંમત હાર્યા વગર મગજ શાંત રાખીને શ્વાસ લીધા અને નક્કી કર્યું કે મારે જીવવું છે અને મોતને મહાત આપી જિંદગી જીતી ગયો હોવાની માન્યામાં ન આવે એવી સુખદ ઘટના બની છે. ડુમ્મસથી નવસારી સુધીના દરિયા વચ્ચે સતત ખેંચાતા રહેલા અને મોતના મુખમાંથી બચીને બહાર આવેલા લખન દેવીપૂજકે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ભગવાને મને બચાવી લેવા પાટિયું મોકલ્યું અને મારો આ બીજો જનમ થયો છે.’

દરિયાના પાણીમાં ખેંચાઈ ગયેલા અને મોતને હાથતાળી આપીને પાછા ફરેલા અને હાલમાં નવસારીની હૉસ્પિટલમાં ચેકઅપ માટે ઍડ્મિટ થયેલા લખન દેવીપૂજકે દરિયા વચ્ચે એ બિહામણા કલાક કેવી રીતે પસાર કર્યા અને તે બચી ગયો એની વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું કે ‘હું ડુમ્મસના દરિયાકિનારે નાના ભાઈ સાથે નાહવા ગયો ત્યારે દરિયાનાં મોજાંમાં ખેંચાઈ ગયો હતો. હું સતત અંદર ખેંચાતો ગયો હતો. એ સમયે હું બહુ ડરી ગયો હતો અને બચવાનો કોઈ ચાન્સ ન રહ્યો એવું લાગ્યું એટલે મેં મન શાંત કરી દીધું, થોડો રિલૅક્સ થઈ ગયો અને પછી શ્વાસ લેતો ગયો. ઊંડા શ્વાસ લઈને હું જીવ ટકાવી રાખવા પાણીમાં તરતો-તરતો પ્રયત્ન કરતો રહ્યો એ દરમ્યાન દરિયામાંથી એક પાટિયું મળી ગયું. મને લાગ્યું કે ભગવાને આ પાટિયું મને બચાવી લેવા માટે જ મોકલ્યું છે. હું એ પાટિયા પર ચડી ગયો. એ સમયે મને થોડો હાશકારો થયો અને લાગ્યું કે હવે કદાચ હું બચી જઈશ, પણ હું મધદરિયે હતો. કોઈ દેખાય નહીં અને પાણીનો ઘૂઘવતો અવાજ. આખી રાત દરિયાના પાણી વચ્ચે કઈ રીતે કાઢી એ તો મારું મન જાણે છે. રાતે બહુ ડર લાગતો હતો. મને એમ પણ થયું કે હવે હું મરી જઈશ, પણ હું હિંમત રાખીને પાટિયા પર બેસી રહ્યો. બીજા દિવસે દૂરથી મને માછીમારોની બોટ દેખાઈ. તેઓ મારી નજીક આવ્યા અને દોરડું નાખીને મને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. કલાકો સુધી દરિયાની વચ્ચે રહ્યા બાદ હું હેમખેમ બહાર નીકળ્યો ત્યારે મને લાગ્યું કે આ મારો બીજો જન્મ છે. ભગવાને મને બચાવી લીધો.’

લખનના મામા વિજય દેવીપૂજકે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતો મારો ભાણો ૧૪ વર્ષનો લખન વિકાસ દેવીપૂજક શુક્રવારે તેની દાદી અને નાના ભાઈ કરણ સાથે અંબાજી મંદિરે દર્શન કરવા ગયો હતો અને પછી તેઓ ડુમ્મસના દરિયાકિનારે ગયાં હતાં, જ્યાં બન્ને ભાઈઓ દરિયામાં નાહવા પડ્યા હતા અને દરિયાનાં મોજાંમાં ખેંચાઈ ગયા હતા. જોકે એમાંથી નાનો ભાઈ બહાર આવી ગયો  હતો, પરંતુ લખન પાણીના પ્રવાહમાં અંદર ખેંચાઈ ગયો હતો. શુક્રવારે બપોરે એક વાગ્યે દરિયામાં તે ખેંચાઈ ગયો હતો અને બીજા દિવસે બપોરે ચાર વાગ્યે માછીમારોને મળ્યો હતો અને તેમણે તેને બહાર કાઢ્યો હતો.’

સુરત દેવીપૂજક સમાજના પ્રમુખ સુરેશ વાઘેલાએ ‘મિડ -ડે’ને કહ્યું હતું કે ‘અમને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેને બચાવી લેવા માટે ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભ્ય પૂર્ણેશભાઈ મોદીનો સંપર્ક કર્યો હતો. તેમણે ડુમ્મસ પોલીસનો બાળકને શોધવા માટે સંપર્ક કર્યો હતો, પણ તે નવસારીના ભાટપોર ગામ પાસેના દરિયામાંથી મળ્યો હતો. દરિયામાં સતત પાણીની વચ્ચે રહ્યો હોવાથી લખનને મેડિકલ ચેકઅપ માટે નવસારીની હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો છે. તે દરિયાનું પાણી પી ગયો હોય અને તેને કોઈ ઇન્ફેક્શન કે અન્ય કોઈ તકલીફ થઈ છે કે નહીં એ ચેક કરવા માટે ડૉક્ટરોએ બ્લડ-ટેસ્ટ, ફેફસાંની ટેસ્ટ સહિતની ટેસ્ટ કરાવી હતી. જોકે તેના રિપોર્ટ નૉર્મલ આવ્યા છે અને આજે તેને રજા આપવાના છે. આ બાળકને બચાવી લેવા માટે પૂર્ણેશભાઈ મોદી, ડુમ્મસ પોલીસ તેમજ વહીવટી તંત્રએ પ્રયત્ન કર્યા હતા.’

મેં મારું મન શાંત કરી દીધું, થોડો રિલૅક્સ થઈ ગયો અને પછી શ્વાસ લેતો ગયો. ઊંડા શ્વાસ લઈને હું જીવ ટકાવી રાખવા માટે પાણીમાં તરતો-તરતો પ્રયત્ન કરતો હતો એ દરમ્યાન દરિયામાંથી એક પાટિયું મળી ગયું હતું. મને લાગ્યું કે ભગવાને આ પાટિયું મને બચાવી લેવા જ મોકલ્યું છે.
- લખન દેવીપૂજક

surat gujarat gujarat news shailesh nayak