પાલિતાણાના કસાઈવાડામાં રહેતી છોકરી બારમાના પરિણામમાં ઝળકી ઊઠી

10 May, 2024 08:53 AM IST  |  Ahmedabad | Ruchita Shah

૯૮.૨૫ ટકા સાથે પાસ થયેલી અને સ્કૂલમાં પહેલા નંબરે આવેલી તબસ્સુમ ખાન પઠાણના પિતા ઇલેક્ટ્રિશ્યન અને માતા આંગણવાડીમાં સક્રિય છે.

તબસ્સુમ ખાન પઠાણ

પાલિતાણાના કસાઈવાડામાં રહેતી તબસ્સુમ ખાન પઠાણની ૧૦ મહિનાની ખરેખરી મહેનત રંગ લાવી છે. તબસ્સુમ બારમાની સાયન્સ શાખામાં ૯૮.૨૫ ટકા માર્ક્‍સ સાથે પાસ થઈ છે. પર્સન્ટેજના આધારે પાલિતાણામાં પહેલા ક્રમે આવેલી તબસ્સુમ જિલ્લામાં પણ ફર્સ્ટ રૅન્ક હોલ્ડર હોવાનું કહેવાઈ રહ્યું છે. તબસ્સુમના પિતા ઇલેક્ટ્રિશ્યન છે અને મમ્મી આંગણવાડી સાથે સંકળાયેલી છે. કસાઈવાડામાં રહેવા છતાં ભણવામાં હોશિયાર આ દીકરીની મહેનતને આગળ વધારવામાં તેનાં મા-બાપ ઉપરાંત તેના શિક્ષક અને એક જૈન સંસ્થાનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે.

આટલા ટકાની અપેક્ષા હતી જ એવી સ્પષ્ટતા કરતાં તબસ્સુમ ‘મિડ-ડે’ને કહે છે, ‘છેલ્લા ૧૦ મહિના દિવસ-રાત જોયા વિના સખત મહેનત કરી છે. દસમામાં ૯૩ ટકા આવ્યા ત્યારે જ મારા શિક્ષક નાથાભાઈ ચાવડાએ મને વધુ ભણવા માટે પ્રેરી હતી. એ દરમ્યાન આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એટલે પાલિતાણામાં સામાજિક અને શૈક્ષણિક કાર્ય કરતી સંસ્થા શ્રી શત્રુંજય યુવક મંડળના હર્ષભાઈએ ફીની ચિંતા કર્યા વિના આગળ ભણવા માટે મોટિવેટ કરી હતી. મારાં મમ્મી-પપ્પાનો પણ પૂરો સપોર્ટ મળ્યો તો સાથે જ મારી સ્કૂલના શિક્ષકોએ પણ અમારી પાછળ અકલ્પનીય સ્તરે મહેનત કરી છે. સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી સ્કૂલ અને એ પછી રાતે ૮થી ૧૦ વાગ્યા સુધી શિક્ષકો રીડિંગ માટે વધારાના ક્લાસ લેતા. કોઈ પણ ડાઉટ હોય તો શિક્ષકો કોઈ પણ સમયે જવાબ આપતા. ટ્યુશન વગર આટલા ટકા આવ્યા છે એમાં અમારા શિક્ષકોએ અમારી પાછળ આપેલો ભોગ પણ જવાબદાર છે.’

અહીં ઉલ્લેખનીય છે કે તબસ્સુમને હવે આર્મીમાં જવાની ઇચ્છા છે. જોકે આર્મીમાં ભરતી ન થાય ત્યાં સુધી તે મેડિકલમાં ઍડ્‍મિશન લેશે એ પણ તેણે નક્કી કરી લીધું છે. કસાઈવાડામાં રહેતા આ પરિવારે દીકરીને આગળ વધારવાના ધ્યેયમાં પોતાનું જીવન બદલી નાખ્યું છે. જીવદયાની સમજણ આવી અને તેમણે માંસાહાર છોડી દીધો. દીકરીનું સારી રીતે ભણવું આખા પરિવાર માટે ઉત્થાનનું કારણ બન્યું છે.

પાલિતાણાની શ્રી સતુબાબા વિદ્યાલયમાં ભણતી તબસ્સુમ છેલ્લે કહે છે, ‘આપણી સફળતામાં આપણી મહેનત સહિત આપણી સાથે જોડાયેલા ઘણા લોકોનો સાથ-સહકાર અને દુઆઓ જવાબદાર હોય છે. મહેનત કરીએ તો એનું ફળ મળે જ છે. બસ મહેનત કરતા રહો અને તમારી આસપાસ સાચા અને સારા લોકો રહે એનું ધ્યાન રાખો.’

gujarat news gujarat 12th exam result Education ahmedabad indian army ruchita shah