૫૦૦૦ મહિલાઓના માથે પોથી, ૫૦૦૦ મહિલાઓના માથે કળશ

08 November, 2024 10:12 AM IST  |  Vadtal | Gujarati Mid-day Correspondent

વડતાલમાં રંગેચંગે પ્રારંભ થયો લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનો

શોભા યાત્રા

મધ્ય ગુજરાતમાં આવેલા યાત્રાધામ વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનો ગઈ કાલથી રંગેચંગે અને હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો હતો. આ મહોત્સવ ૧૫ નવેમ્બર સુધી ચાલશે. ગઈ કાલે સવારે મહેળાવથી શોભાયાત્રા શરૂ થઈ હતી અને ૮ કિલોમીટર ફરીને સભામંડપ પહોંચી હતી. પોથીયાત્રા અને કળશયાત્રામાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ, દેવપ્રકાશ સ્વામી, નૌત્તમપ્રકાશદાસ સ્વામી સહિતના સંતો, સાંખ્યયોગી માતાઓ, જુદાં-જુદાં સ્થળોએથી આવેલાં મહિલા મંડળો તેમ જ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. ૫૦૦૦ મહિલાઓએ માથે પોથી મૂકી હતી અને ૫૦૦૦ મહિલાઓએ માથે કળશ મૂક્યા હતા એ માહોલે શોભાયાત્રાની શોભા વધારી હતી. પોથી અને કળશયાત્રાનું ઠેર-ઠેર પૂજન અને સ્વાગત કરવામાં આવ્યું હતું અને અક્ષત કુમકુમથી એને વધાવ્યાં હતાં. શોભાયાત્રામાં ૧૦ બગી, ૪ ગજરાજ, ૩૦ ઘોડા, જુદા-જુદા ટેબ્લો, બૅન્ડવાજાં, ઢોલીઓ, ભજનમંડળીઓએ રંગ જમાવ્યો હતો. પોથી અને કળશયાત્રા સભામંડપમાં પહોંચ્યા બાદ મહારાજ અને સંતોએ દીપ પ્રગટાવીને મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડતાલ ધામ સ્વામીનારાયણ મંદિરના કોઠારી ડૉ. સંતવલ્લભદાસ સ્વામીએ કહ્યું હતું કે આપણે ભાગ્યશાળી છીએ કે આ મહોત્સવના આપણે સૌ સાક્ષી બન્યા છીએ.

swaminarayan sampraday culture news religious places gujarat news gujarat