09 November, 2024 11:20 AM IST | Virpur | Gujarati Mid-day Correspondent
વીરપુરમાં ઘણી જગ્યાએ ભંડારા યોજાયા હતા.
દીન-દુખિયાના બેલી અને નિઃસ્વાર્થ સેવાના પર્યાય બની ગયેલા જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી પ્રસંગે ગઈ કાલે દેશ-વિદેશથી સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરમાં લાખો શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા અને બાપાના ચરણે શીશ ઝુકાવીને, દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બીજી તરફ મોડી રાતથી જ વીરપુરવાસીઓએ બાપાની જન્મજયંતીને લઈને જશન મનાવ્યો હતો અને હરખભેર ઉજવણી કરીને બાપા પ્રત્યે અખૂટ શ્રદ્ધા સાથેનો ભાવ પ્રગટ કર્યો હતો.
વીરપુરમાં આવેલી જલારામબાપાની જગ્યાએ ગઈ કાલે સવારે સવાછ વાગ્યે દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જલારામબાપાના પરિવારજનોએ બાપાની સમાધિનું પૂજન કર્યું હતું અને ભાવપૂર્ણ રીતે આરતી ઉતારી હતી. વહેલી પરોઢથી જ શ્રદ્ધાળુઓએ દર્શન માટે લાઇન લગાવી દીધી હતી. ઘણા ભક્તજનો રાતથી જ દર્શન કરવા પહોંચી ગયા હતા અને જલારામબાપાનાં દર્શન કરીને ભાવવિભોર બન્યા હતા. જલારામબાપાની જગ્યામાં લાખો શ્રદ્ધાળુઓને બુંદી, શાક-રોટલી, દાળભાતનો પ્રસાદ પ્રેમથી પીરસાયો હતો.
વીરપુરવાસીઓએ ગુરુવારે મોડી રાતથી જ જલારામબાપાની જન્મજયંતીની ઉજવણી શરૂ કરી દીધી હતી. બહેનોએ પોતાની શેરીઓમાં રંગોળી બનાવી હતી અને સત્સંગ કર્યો હતો. જલારામ ગ્રુપે ગુરુવારે રાતે ૧૨ વાગ્યે એક-એક કિલોની ૨૫ કેક કટિંગ કરી હતી. આ કેક પર ‘પરમ પૂજનીય શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્મ જયંતી’ લખવામાં આવ્યું હતું. એક કેક પર ‘જલારામ મેરે માલિક’ લખ્યું હતું. ૨૫ કેક એટલા માટે બનાવી હતી કેમ કે જલારામબાપાની જગ્યાએ છેલ્લાં ૨૪ વર્ષથી દાન-ભેટ લેવાતાં નથી એને હવે ૨૫ વર્ષ થયાં છે. જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી હોવાથી આ ગ્રુપે ગઈ કાલે સવારે પણ એક-એક કિલોની એક એવી ૨૨૫ કેકનું કટિંગ કરી સેલિબ્રેશન કર્યું હતું અને એને પ્રસાદ તરીકે વહેંચી હતી.
વીરપુરના અન્ય એક યુવા ગ્રુપ દ્વારા જલારામબાપાની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ૨૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ શોભાયાત્રામાં ગરબી મંડળની બાળાઓએ રાસની રમઝટ બોલાવી હતી. જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી હોવાથી આ શોભાયાત્રામાં ૨૨૫ કિલો બુંદી-ગાંઠિયાનું પ્રસાદરૂપે વિતરણ કરાયું હતું. એ ઉપરાંત વીરપુરમાં ઠેર-ઠેર બુંદી, ગાંઠિયા અને જલેબીના ભંડારા થયા હતા.