30 August, 2023 09:05 AM IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કમલમમાં એકબીજાનું મોં મીઠું કરાવી નિર્ણયને આવકાર્યો હતો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને ૨૭ ટકા અનામત મળશે. જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણને આધારે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જોકે એસ.ટી.–એસ.સી.ની હાલની બેઠકો અને હોદ્દાઓ માટે જે પ્રતિનિધિત્વ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરાયો નથી.
અમદાવાદ બીજેપીના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડીને નિર્ણયને આવકાર્યો હતો
ગુજરાતના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે કહ્યું હતું કે ‘રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો તેમ જ ચૅરપર્સનની બેઠકોમાં અનામત ફાળવણી માટે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ અનુસાર જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશને તેમનો અહેવાલ સરકારને રજૂ કર્યો હતો. આ અહેવાલના અભ્યાસ માટે રાજ્ય સરકારે કૅબિનેટ સબ-કમિટીની રચના કરી હતી. આ કમિટીના અહેવાલની ભલામણોનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. એ મુજબ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને બેઠકો–હોદ્દા (પ્રમુખ, મેયર, સરપંચ) માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય કરાયો છે. સુપ્રીમ કોર્ટના વિવિધ નિર્દેશોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કરતાં પહેલાં ટ્રિપલ ટેસ્ટની કાર્યવાહી કરવા કરાયેલા નિર્દેશનો પણ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોઈ પણ સંજોગોમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. માટે સંસ્થાવાર અનામત રાખવામાં આવનારી બેઠકો કુલ બેઠકોના ૫૦ ટકાથી વધે નહીં એ પ્રમાણેની સમગ્રતયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ તેમ જ અનુસૂચિત જનજાતિના સમુદાયના લોકોને મળનારા હાલના પ્રતિનિધિત્વમાં સમર્પિત આયોગ દ્વારા ફેરફાર કરાયો નથી.’
ઓ.બી.સી. સમાજને અન્યાય કરતી આ જાહેરાત છે : અમિત ચાવડા
ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ઓ.બી.સી. સમાજને અન્યાય કરતી આ જાહેરાત છે. વસ્તી મુજબ ગણતરી કરી ઓ.બી.સી. સમાજને અનામત આપવી જોઈએ એવી અમારી માગણી છે. જો તમે સાચા હો તો ઝવેરી કમિશનનો રિપોર્ટ પ્રસિદ્ધ કરો, જેથી પ્રજાને ખબર પડે કે સરકારે આ રિપોર્ટની ભલામણ માન્ય નથી રાખી.’