24 November, 2023 07:10 AM IST | Ahmedabad | Shailesh Nayak
જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે લીલી પરિક્રમામાં લાખો પદયાત્રીઓ ઊમટ્યા હતા
સૌરાષ્ટ્રમાં આવેલા યાત્રાધામ જૂનાગઢમાં ગઈ કાલથી વિધિવત્ લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. જોકે ગઈ કાલે સવારે એક આધેડ પદયાત્રીનું કાર્ડિઍક અરેસ્ટથી મૃત્યુ થવાથી પદયાત્રીઓમાં શોક અને ડરની લાગણી છવાઈ ગઈ હતી. બીજી તરફ પહેલા દિવસે ૩,૩૧,૭૭૫ પદયાત્રીઓએ પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે લીલી પરિક્રમા શરૂ થઈ છે અને લાખો ભક્તજનો પદયાત્રા માટે આવી પહોંચ્યા છે ત્યારે ગઈ કાલે સવારે સાત વાગ્યાના સુમારે નળપાણીની ઘોડી વિસ્તારમાંથી એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતાં ઍમ્બ્યુલન્સ દ્વારા એને ભેંસાણ સીએચસીમાં લઈ જવાયો હતો. આ વ્યક્તિનું કાર્ડિઍક અરેસ્ટથી મૃત્યુ થયું હોવાનું સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું.
જૂનાગઢ જિલ્લા પંચાયતના એપિડેમિક મેડિકલ ઑફિસર ડૉ. હિમાંશુ લાખાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોગ્ય વિભાગની ૧૦ ટીમ ભવનાથ રૂટ પર મૂકી છે તેમ જ ઍમ્બ્યુલન્સ પણ મૂકી છે. સવારે અમને માહિતી મળી હતી કે લાશ પડી છે એટલે ઍમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે જતાં ખબર પડી કે પેશન્ટનું મૃત્યુ થયું હતું. ૫૫ વર્ષનો આ માણસ છે અને તેનાં કોઈ સગાં આવ્યાં નહોતાં એટલે પોલીસ તેનાં સગાંને શોધી રહી છે. મૃત્યુ પામનાર વ્યક્તિનો પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવવાનો બાકી છે. એ આવે એટલે મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે.’