13 October, 2024 08:39 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
માતાજીની પલ્લી
ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી પર અંદાજે ચાર લાખ કિલોથી વધુ ઘીનો લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા અને શ્રદ્ધા સાથે અભિષેક કરીને ભક્તિભાવ સાથે પલ્લીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગઈ કાલે વહેલી પરોઢે સવારે ચાર વાગ્યાના સુમારે માતાજીની પલ્લી વાજતે ગાજતે રૂપાલ ગામમાં નીકળી હતી. મંદિર સુધીના રસ્તામાં આવતા ૨૭ ચકલા ફરતાં-ફરતાં આ પલ્લી નિજ મંદિર સવારે સાત વાગ્યે પહોંચી હતી. આ દરમ્યાન અંદાજે ૧૦ લાખથી વધુ ભક્તોએ પલ્લીનાં દર્શન કર્યાં હતાં અને અંદાજે ૪ લાખ કિલોથી વધુ ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો હતો. અંદાજે કરોડો રૂપિયાના ઘીનો આસ્થા સાથે ઉપયોગ થયો હતો. ઘણા પરિવારોએ તેમના દીકરી કે દીકરાને માતાજીના પલ્લીની જ્યોતનાં દર્શન કરાવીને બાધા-માનતા પણ ઉતારી હતી. રૂપાલ ગામમાં વરદાયિની માતાજીના મંદિરે જઈને પણ લાખો માઈભક્તોએ દર્શન કર્યાં હતાં.