30 November, 2024 06:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
જરૂરિયાતમંદોને ઝભ્ભા અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્તુત્ય સદ્કાર્ય કરવામાં આવ્યું છે. ભગવાન સોમનાથ મહાદેવજીના શૃંગાર માટે ઉપયોગમાં લેવાતા પીતાંબરમાંથી બનાવેલા ઝભ્ભા અને પાર્વતી માતાજીને અર્પણ કરાયેલી સાડીઓ મળીને ૧૦,૬૦૦ જેટલાં વસ્ત્રોનો વસ્ત્ર-પ્રસાદ જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આસપાસનાં ગામોની મહિલાઓ પાસે ઝભ્ભા સીવડાવીને તેમને રોજગાર પૂરો પાડી મહિલા સશક્તીકરણનું ઉદાહારણ પૂરું પાડ્યું હતું.
સોમનાથ મહાદેવના પીતાંબરમાંથી બનાવેલા ઝભ્ભા.
ગઈ કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં કલેક્ટરનો સંપર્ક કરીને લોકો સુધી વસ્ત્ર-પ્રસાદ અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું ઑનલાઇન સંકલન કરાયું હતું. વસ્ત્રોની સાથે-સાથે ચીકી અને લાડુનો પ્રસાદ પણ અગાઉથી કલેક્ટર-કચેરીમાં પહોંચતો કરવામાં આવ્યો હતો.