સોનાના વરખવાળાં ગુલાબનો ગોલ્ડન હાર

23 September, 2023 07:42 AM IST  |  Mumbai | Shailesh Nayak

કોઈ માનતા નહીં પણ શ્રદ્ધા અને આસ્થાથી લાલબાગચા રાજાને અર્પણ કરશે નવ ફુટનો હાર : હાર ચઢાવવાની સાથે ગોલ્ડ વરખનું સર્ટિફિકેટ પણ આપશે : પુણેના દગડુ શેઠ ગણપતિને પણ ચઢાવશે ગોલ્ડપ્લેટેડ છ ફુટનો હાર

લાલબાગચા રાજા અને દગડુ શેઠ ગણપતિજીને શ્રદ્ધાથી અર્પણ કરવા બનાવેલા ગોલ્ડપ્લેટેડ રોઝ હાર આજે ચઢાવવામાં આવશે.


અમદાવાદ : મુંબઈ સહિત દેશ, દુનિયામાં ગણેશોત્સવ હર્ષોલ્લાસથી ચાલી રહ્યો છે ત્યારે દુનિયાભરના ગણેશભક્તોમાં આસ્થા અને શ્રદ્ધાનો મુકામ ગણાતા લાલબાગચા રાજાને સુરતની ચોકસી ફૅમિલી આજે સોનાનો વરખ ચઢાવેલો ૨૫૦ જેટલાં ગોલ્ડન રોઝનો નવ ફુટ લાંબો ગોલ્ડપ્લેટેડ રોઝનો હાર શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક અર્પણ કરશે.
સુરતની ચોકસી ફૅમિલી લાલબાગચા રાજા ઉપરાંત પુણેના દગડુ શેઠ ગણપતિને પણ ગોલ્ડપ્લેડેટ છ ફુટનો હાર ચઢાવવા જશે. કોઈ માનતા કે બાધા નથી, પણ શ્રદ્ધા અને આસ્થાથી ગોલ્ડના વરખનાં ૨૫૦ જેટલાં ગોલ્ડન રોઝ ફુલો મખમલી કપડાથી ગૂંથીને હારમાં જડ્યાં છે જે લાલબાગચા રાજાને અર્પણ કરાશે. 
સુરતના જ્વેલર દીપક ચોકસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાલબાગચા રાજાનાં દર્શન કરવા લાખ્ખો ભાવિકો આવે છે ત્યારે મારા દીકરા અને દીકરીએ મને કહ્યું કે એક ગોલ્ડન રોઝ લઈને લાલબાગના રાજાનાં દર્શન કરવા જવું છે. ત્યારે મેં તેમને કહ્યું કે બાપ્પા તો એટલા મોટા છે કે એક ગોલ્ડન રોઝ નહીં દેખાય. એટલે આપણે એક સુંદર હાર તેમના માટે બનાવીએ. આમ વિચારીને લાલબાગચા રાજા માટે નવ ફુટ લાંબો ગોલ્ડ વરખ ચઢાવેલો અંદાજે ૨૨૫થી ૨૫૦ ગોલ્ડન રોઝ ફુલોનો હાર બનાવ્યો. આ ઉપરાંત પુણેના દગડુ શેઠ માટે પણ છ ફુટ લાંબો ગોલ્ડ વરખ ચઢાવેલો અંદાજે ૧૨૫થી ૧૫૦ ગોલ્ડન રોઝ ફુલોનો હાર બનાવ્યો છે. મારા દીકરાઓ દીપ અને હર્ષ તેમ જ દીકરી દેવાંશી અને દીકરાની વહુ પરિધિ શનિવારે સવારે લાલબાગચા રાજાનાં દર્શન કરવા જશે અને દાદાને હાર ચઢાવશે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આ હાર બનાવવા માટે છ દિવસનો સમય લાગ્યો છે. ગોલ્ડના વરખવાળાં રોઝ સિસ્ટમથી બનતાં હોય છે. મારે ત્યાં બે કલકત્તી કારીગર છે. તેમને બેસાડીને આ હાર બનાવ્યો છે, જેને મેં ફાઇનલ ટચ આપ્યો છે. હારને ગૂંથવા માટે મખમલના કપડાનો ઉપયોગ કરાયો છે. એ સિવાય બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરાયો નથી. જેમ મીઠાઈમાં વરખ ચઢાવીએ છીએ એમ ગોલ્ડન રોઝ ફુલ પર ગોલ્ડ વરખના સ્વરૂપમાં ચઢાવ્યું છે અને ગોલ્ડપ્લેટેડ હાર તૈયાર કર્યો છે. આ હાર અર્પણ કરીશું ત્યારે ગોલ્ડ વરખનું સર્ટિફિકેટ પણ સાથે આપીશું.’
ગોલ્ડપ્લેટેડ હાર ખુશીથી ચઢાવીએ છીએ એ વિશે વાત કરતાં દીપક ચોકસીએ કહ્યું હતું કે ‘અમારી ફૅમિલીની કોઈ બાધા કે માનતા નથી, પરંતુ છોકરાઓ દર્શન કરવા જતા હતા અને એક ગોલ્ડન રોઝ મૂકવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે ખુશી-ખુશીથી આખો હાર તૈયાર કરીને આપ્યો છે. લાલબાગચા રાજા અને દગડુ શેઠને આ ગોલ્ડપ્લેટેડ હાર અર્પણ કરવાના હોય ત્યારે એની કોઈ કિંમત ન હોય. આ બે હાર અમારા માટે અણમોલ છે અને શ્રદ્ધા સાથે બાપ્પાને હાર ચઢાવીશું. આજે લાલબાગના રાજાના દરબારમાં જઈશું અને સાંજે પુણે જઈ રવિવારે દગડુ શેઠના દરબારમાં જઈને ગણરાયાને ભક્તિભાવ સાથે હાર ચઢાવીશું.’ 



ganesh chaturthi surat gujarat news