22 March, 2023 11:31 AM IST | Ahmedabad | Shailesh Nayak
પાવાગઢના મહાકાળીનું મંદિર તસવીર સૌજન્ય આઈ સ્ટૉક
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં માઈભક્તો મહાકાળી માની પાદુકાનું પૂજન કરી શકશે. મંદિરમાં આવું પહેલી વાર થઈ રહ્યું છે. બીજી તરફ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં અંબે માના મંદિરમાં ચૈત્રી નવરાત્રિ દરમ્યાન માતાજીની સાથે જવેરાની પણ આરતી થશે. આવું માત્ર આસો અને ચૈત્રી નવરાત્રિમાં જ થાય છે જેનો લાભ માઈભક્તોને મળશે.
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં આવેલા અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિતનાં માતાજીનાં મંદિરોમાં ભક્તિભાવ સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થશે. માતાજીનું ધ્યાન ધરવા સાથે અનુષ્ઠાન, પૂજા-અર્ચના કરીને માઈભક્તો ગરબા ગાઈને માતાજીની ભક્તિ કરશે. પાવાગઢમાં પહેલી વાર માઈભક્તો માતાજીની પાદુકાનું પૂજન કરી શકે એવું આયોજન નવરાત્રિ પર્વથી શરૂ કરવામાં આવી રહ્યું છે. પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટી વિનોદ વરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘પાવાગઢના મંદિરમાં નવરાત્રિનું પર્વ ઊજવાશે, જેમાં નવરાત્રિના પ્રથમ દિવસથી ભાવિકો માતાજીની પાદુકાનું પૂજન કરી શકશે. આવું પહેલી વાર બની રહ્યું છે જેમાં મંદિરમાં ભાવિકો માતાજીની પાદુકાનું પૂજન કરી શકશે. પૂજન માટેનું ધોતી વસ્ત્ર મંદિર તરફથી આપવામાં આવશે. માઈભક્તોની ઇચ્છા હોય તો તેઓ પાદુકા પૂજન કરી શકશે.’
શક્તિપીઠ અંબાજીમાં માઈભક્તોને જવેરાની આરતીનો લાભ ચૈત્રી નવરાત્રિમાં મળી શકશે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરત પાધ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ચૈત્રી નવરાત્રિના પ્રારંભે પરંપરાગત ઘટ સ્થાપન થશે. નવરાત્રિ દરમ્યાન માતાજીના મંદિરમાં આરતી થશે અને મંદિરમાં મુકાયેલા જવેરાની પણ આરતી આ નવરાત્રિમાં થશે. જવેરાની આરતી વર્ષમાં બે વાર થાય છે, જેમાં એક આસોની નવરાત્રિમાં અને બીજી ચૈત્રી નવરાત્રિ દરમ્યાન થાય છે. ઋતુનો ફેરફાર થયો હોવાથી આ વસંત ઋતુ હોવાથી આ નવરાત્રિને વાસંતિક નવરાત્રિ પણ કહેવામાં આવે છે.’