11 May, 2023 12:25 PM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઉત્તર ગુજરાતના કલોલમાં ગઈ કાલે અંબિકા એસ. ટી. બસ સ્ટૅન્ડ પાસે પાછળથી આવેલી લકઝરી બસ એસ. ટી. બસને ધડાકાભેર અથડાતાં બસની આગળ ઊભેલા મુસાફરો લોખંડની ઍન્ગલ અને એસ. ટી. બસ વચ્ચે દબાઈ જતાં ચાર મુસાફરોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં અને એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, જયારે પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઍક્સિડન્ટ એવો કમકમાટીભર્યો હતો કે દુર્ઘટનાથી લોકો હચમચી ઊઠ્યા હતા અને મૃતકોના પરિવારજનોના આક્રંદથી હૃદયદ્રાવક સ્થિતિ સર્જાઈ હતી.
કલોલમાં હાઇવે પર આવેલા અંબિકા બસ સ્ટૅન્ડ પાસે ગઈ કાલે એક એસ. ટી. બસ આવીને ઊભી હતી અને એમાંથી પૅસેન્જર્સ નીચે ઊતરી રહ્યા હતા, જ્યારે બસમાં જેઓ બેસવાના હતા તેઓ અને અન્ય મુસાફરો એસ. ટી. બસનો દરવાજો આગળ હોવાથી આગળની સાઇડે ઊભા હતા. આ દરમ્યાન અચાનક જ એક લક્ઝરી બસ એસ. ટી. બસને પાછળથી જોરદાર અથડાઈ હતી, જેને કારણે એસ. ટી. બસ આગળ ઠેલાઈ હતી, જેથી બસની આગળ ઊભા રહેલા મુસાફરો બસ અને રોડ સાઇડની લોખંડની ઍન્ગલ વચ્ચે દબાઈ ગયા હતા, જ્યારે મહિલા સહિતના કેટલાક મુસાફરો નીચે પડી ગયા હતા. દબાઈ ગયેલા મુસાફરોએ બચવા માટે મરણિયા પ્રયાસ કર્યા હતા. આ ઘટનાને કારણે લકઝરી બસનો ડ્રાઇવર નાસી ગયો હતો.