22 April, 2023 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ ઃ ગુજરાતમાં કચ્છના નખત્રાણા તાલુકામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો છે. વીજપાસાર ગામની અરેરાટી ઉપજાવે એવી ઘટનામાં પ્રેમલગ્ન કરનાર યુવતીની ફૅમિલીએ યુવકની માતાને જીવતી સળગાવી દીધી હતી. ગુરુવારે બનેલી આ કમકમાટી ઉપજાવે એવી ઘટનામાં યુવતીની માતા અને દાદીએ યુવકની માતા પર કેરોસીન અને પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી હતી, જેના કારણે ગંભીર રીતે દાઝી ગયેલી યુવકની માતાનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
નખત્રાણા તાલુકાના વીજપાસાર ગામે રહેતા હેમંત માધડે રિદ્ધિ શેખા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. પ્રેમલગ્ન કરનાર કપલ પોલીસ-સ્ટેશન ગયું અને બીજી તરફ યુવતીની ફૅમિલીએ યુવકના ઘરે જઈને ગંભીર કૃત્ય આચર્યું હતું. આ ઘટનામાં અંજના માધડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એમાં જણાવ્યું હતું કે ‘ગુરુવારે ઘરે અમે દાદા સસરા મેઘજીભાઈ, દાદી સાસુ લક્ષ્મીબહેન, સાસુ રાધાબહેન સાથે હાજર હતાં. થોડા દિવસ પહેલાં મારા દિયર હેમંતે અમારી બાજુમાં રહેતી રિદ્ધિ શેખા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં અને તેઓ નખત્રાણા પોલીસ-સ્ટેશનમાં જવાબ લખાવવા ગયા હતા. એ દરમ્યાન સાંજે ચાર વાગ્યાના સુમારે રતન કાનજી શેખા, તેમની દીકરી જયશ્રી તેમ જ એક બીજી દીકરી, નર્મદા શેખા, તેમનો દીકરો હાર્દિક તથા તેમની દીકરી જાનવી અને જાગૃતિ તથા તેમના સંબંધીઓ હેતલ રૂપાણી, કરણ રૂપાણી, મંગેશ રૂપાણી તથા પંકજ રૂપાણી તથા બીજાં ત્રણ-ચાર જેટલાં સ્ત્રી-પુરુષો હતાં. મારી સાસુ રાધાબહેનને ધોકાઓ વડે મારવા લાગ્યાં હતાં. રતનબહેને તેમના હાથમાં રહેલા પેટ્રોલની બૉટલ તથા નર્મદાબહેને તેમના હાથમાં રહેલું કેન મારાં સાસુ રાધાબહેન ઉપર નાખવા લાગ્યાં હતાં અને એમાંથી કેરોસીન જેવી વાસ આવવા લાગી હતી. નર્મદાબહેને તેમના હાથમાં રહેલી દિવાસળી સળગાવીને મારાં સાસુ પર નાખી હતી, જેના કારણે મારાં સાસુ સળગવા લાગ્યાં હતાં.’