મારા કારસેવક પતિનું બલિદાન એળે નથી ગયું

09 December, 2023 08:10 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

રામમંદિર બને એનો ગર્વ છે એમ કહેનાર ગોધરા હત્યાકાંડમાં જીવ ગુમાવનાર અમદાવાદના કારસેવક ઝવેરભાઈ પ્રજાપતિનાં પત્ની શાંતાબહેન અને તેમના પરિવારમાં ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના સમારંભમાં આમંત્રણ મળતાં ખુશાલી છવાઈ ગઈ

અમદાવાદના કારસેવક સ્વ. ઝવેરભાઈના ફોટા સાથે તેમનાં પત્ની શાંતાબહેન પ્રજાપતિ

રામમંદિર બને એનો ગર્વ છે એમ કહેનાર ગોધરા હત્યાકાંડમાં જીવ ગુમાવનાર અમદાવાદના કારસેવક ઝવેરભાઈ પ્રજાપતિનાં પત્ની શાંતાબહેન અને તેમના પરિવારમાં ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના સમારંભમાં આમંત્રણ મળતાં ખુશાલી છવાઈ ગઈ : ગુજરાતમાંથી સંતોની સાથે ગોધરામાં મૃત્યુ પામેલા કારસેવકોના પરિવારજનોને રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ પાઠવવા થઈ રહ્યો છે સંપર્ક  : આ ઉપરાંત શેરનાથબાપુ, દિલીપદાસજી મહારાજ, મોરારીબાપુ, રમેશ ઓઝા સહિત ૧૩૭ સંપ્રદાયના ૨૭૦થી વધુ મહામંડલેશ્વર, સંતો, મહંતોને માનભેર હરખનાં તેડાં 

કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું આધ્યાત્મિક ધામ જ્યાં બની રહ્યું છે એ પવિત્ર અયોધ્યાનગરીમાં પ્રભુશ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાના શુભ અવસરે સહભાગી થવા માટે અમદાવાદના કારસેવક સ્વ. ઝવેરભાઈ પ્રજાપતિની ફૅમિલીનો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરીને આમંત્રણ પાઠવવામાં આવતાં પરિવારના સભ્યોમાં ખુશી છવાઈ ગઈ છે અને ઝવેરભાઈનાં પત્ની શાંતાબહેન પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બલિદાન એળે ન ગયું, રામમંદિર બને છે એનો અમને ગર્વ છે.’

અયોધ્યામાં બની રહેલા રામમંદિરમાં ૨૦૨૪ની બાવીસમી જાન્યુઆરીએ ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામની બાળસ્વરૂપની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ મંગળમય અવસરે ઉપસ્થિત રહેવા માટે ગુજરાતમાંથી શેરનાથબાપુ, દિલીપદાસજી મહારાજ, મોરારીબાપુ, રમેશ ઓઝા સહિત ૧૩૭ જેટલા સંપ્રદાયના ૨૭૦થી વધુ મહામંડલેશ્વર, સંતો, મહંતોને માનભેર હરખનાં તેડાં મોકલાઈ રહ્યાં છે. આ ઉપરાંત ૨૦૦૨માં ગોધરા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કારસેવકોને યાદ કરીને તેમના પરિવારજનોને પણ આમંત્રણ મોકલવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યવાહી હાથ ધરીને આમંત્રણ પાઠવવા માટે સંપર્ક થઈ રહ્યો છે.

અમદાવાદમાં રહેતા અશોક પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૦૨માં મારા ફાધર ઝવેરભાઈ અન્ય લોકો સાથે કારસેવા કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં જે ઘટના બની એમાં મારા ફાધર ઝવેરભાઈનું મૃત્યુ થયું હતું. હવે અયોધ્યામાં રામમંદિર બની રહ્યું છે અને પ્રાણપ્રતિષ્ઠા થવાની છે એના આમંત્રણ માટે વિશ્વ હિન્દુ પરિષદના બિપિનભાઈએ મને ફોન કરીને કહ્યું કે ‘વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા જવા માટે આપને આમંત્રણ છે.’ અમારા પરિવારને આ આમંત્રણ મળ્યું એનો અમને આનંદ છે. પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે એની ખુશી એવી છે કે એને શબ્દોમાં ન વર્ણવી શકાય. ઘરના સભ્યે જેને માટે બલિદાન આપ્યું હોય અને એ વસ્તુ બનતી હોય એની ખુશી કંઈક અનેરી હોય. અમારા પરિવારને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે. રામમંદિર બને એનો ગર્વ છે. એમાં પણ બલિદાન આપનારના પરિવારની ખુશી અલગ ટાઇપની છે કે ઘરના સભ્યનું બલિદાન એળે ન ગયું. અમે પરિવારના તમામ સભ્યો બે મહિના પછી અયોધ્યા જઈશું.’

ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોકભાઈ રાવલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અયોધ્યામાં યોજાનારા પ્રભુ શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી ૨૭૦થી વધુ મહામંડલેશ્વર, મહંતો, સંતોને રૂબરૂ જઈને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. મોટા ભાગના સંતોને આમંત્રણ પહોંચી ગયાં છે. આ ઉપરાંત ગોધરાના કારસેવકોની યાદી બનાવી છે અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કારસેવકોને યાદ કરીને તેમના પરિવારના સભ્યોને લઈ જવાશે. કારસેવકોનું યોગદાન પણ છે. જીવ ગયો હોય તેમનું યોગદાન મોટું કહેવાય, તેમને ભુલાય કઈ રીતે? આ કારસેવકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હાલમાં તેઓ તેમના સરનામે ન રહેતા હોય કે કોઈ બીજે શિફ્ટ થયા હોય કે અન્ય જગ્યાએ જતા રહ્યા હોય એટલે તેમને શોધીને તેમનો સંપર્ક કરીને જેમને અનુકૂળતા હશે અને જવું હશે તેમને મોકલીશું અને ૨૦૨૪ની ૧૨ ફેબ્રુઆરીએ બધાને લઈ જવાનો કાર્યક્રમ છે એમાં લઈ જઈશું. આમ બે તબક્કામાં લઈ જવાશે. ૧૯૯૦માં કારસેવા થઈ હતી એમાં પણ કેટલા બધા કારસેવકો ગુજરી ગયા હતા. એ બધાના પરિવારજનોને મોટા ભાગે ૧૨ ફેબ્રુઆરીએ મોકલાશે.’

વિશ્વ હિન્દુ પરિષદ, ગુજરાતના ધર્માચાર્ય સંપર્ક-પ્રમુખ ધીરુભાઈ કપૂરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત એમ ગુજરાતના ત્રણ પ્રાંતમાંથી ૨૭૦ જેટલા સંતોને અયોધ્યામાં યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં જુદા-જુદા ૧૩૭ સંપ્રદાયના સંતોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. આ સંતો સાથે ૨૦ કાર્યકરો પણ તેમની સેવામાં જશે. એમાં અમદાવાદ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, છારોડીના માધવપ્રિયદાસ, જૂનાગઢના શેરનાથબાપુ ઉપરાંત મહંત રામશરણદાસ મહારાજ, મહંત મોહનદાસ મહારાજ, જ્ઞાનેશ્વરદાસ મહારાજ, સીતારામદાસ મહારાજ, મૂળદાસબાપુ, ધનસુખનાથ મહારાજ, મોરારીબાપુ, રમેશ ઓઝા, લલિત કિશોરદાસ મહારાજ, કનીરામબાપુ, ડાંગનાં યશોદાદીદી અને હેતલદીદી સહિતના સંતો, મહંતો અને મહામંડલેશ્વરશ્રીઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે.’

ram mandir ahmedabad gujarat gujarat news shailesh nayak