આણંદ: ચાંગામાં ચારુસેટ-BDIPS દ્વારા PCOS વિષય પર `એક્સપર્ટ ટૉક` નું આયોજન

29 March, 2024 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PCOD / PCOS વિશે અવેરનેસ વધારવા ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન BDIPS ના વિમેન  ડેવલપમેન્ટ સેલ (WDC) ટીમ દ્વારા એક્સપર્ટ  ટોક (Expert Talk program on PCOS and PCOD) નું આયોજન કરવામાં આવ્યું હતું.

ચાંગામાં ચારુસેટ-BDIPS દ્વારા PCOS વિષય પર એક્સપર્ટ ટોકનું આયોજન

આણંદ જિલ્લાના ચાંગા સ્થિત યુનિવર્સિટી દ્વારા  PCOD / PCOS વિષય સંબંધિત "એક્સપર્ટ ટોક" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજકાલ ‘પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ’ (PCOS)  વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે. જેનું કારણ એ છે કે વંધ્યત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. ‘પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ’ (PCOS) જેને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસઓર્ડર ’ (PCOD) પણ કહેવામાં આવે છે.   છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે.  PCOD / PCOS સામાન્ય રીતે 12-45 વર્ષની વયની યુવતીઓ/મહિલાઓમાં જોવા મળે છે. તે એક હોર્મોનલ ડિસઓર્ડર છે.  

PCOS (પોલીસીસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ) ની  અંડાશય પર ખરાબ અસર પડે છે જેના કારણે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ નથી બનતા અને પીરિયડ્સ અસંતુલિત થઈ જાય છે. આ ઉપરાંત ડાયાબીટીસ વગેરે જેવી અન્ય કોમ્પ્લીકેટેડ સમસ્યાઓ થાય છે. આજના સમયમાં 10 માંથી 1 મહિલાને PCOS ની સમસ્યા હોય છે પરંતુ તેનું નિદાન થતું નથી. આના વિષે જાણ ન હોવાથી  મહિલાઓમાં ઘણી ગેરસમજ જોવા મળે છે.  આથી  અનેક મહિલાઓ ખાસ કરીને કોલેજની વિદ્યાર્થીનીઓ માનસિક તનાવમાંથી પસાર થાય છે. આથી આ સિન્ડ્રોમ વિશેની માન્યતાઓ દૂર કરવા તથા સિન્ડ્રોમ વિષે અવેરનેસ વધારવા ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસ (BDIPS) ના વિમેન  ડેવલપમેન્ટ સેલ (WDC) ટીમ દ્વારા એક્સપર્ટ  ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું.  BDIPSના પ્રિન્સિપાલ ડો. હેમંતકુમારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ એક્સપર્ટ  ટોક BDIPS-WDC ટીમના સભ્યો આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સુચિત્રા બર્ગે, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મેઘના ડાયર્સા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રૂમા સરકાર, આસિસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલ અને કલીનીકલ ઈન્સ્ટ્રકટર વાસ્વી પરમાર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થઇ હતી.   

‘Unlocking Wellness: Navigating Polycystic Ovarian Syndrome (PCOS) Together-A Dialogue for University Students’ વિષય અંતર્ગત આયોજિત એક્સપર્ટ ટોક આપવા માટે નિમાયા સેન્ટર ફોર વુમન્સ હેલ્થ વડોદરાના મેડિકલ ડાયરેક્ટર અને ગાયનેકોલોજીસ્ટ ડૉ. યુવરાજ જાડેજાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. લોકપ્રિય વંધ્યત્વ નિષ્ણાત ડૉ. જાડેજાના વિવિધ મલ્ટીપલ સાયન્ટીફિક પેપર્સ, રીસર્ચ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ પબ્લીકેશન્સ અને ચેપ્ટર્સ પ્રકાશિત થયા છે.  

આ ઉપરાંત તેમને જાપાન અને જર્મની તરફથી ફેલોશિપ પણ પ્રાપ્ત થઇ છે. ડૉ. જાડેજાએ આ  સિન્ડ્રોમ સાથે સંકળાયેલા જોખમો, યોગ્ય સારવાર, ડાયેટ કેવો લેવો જોઈએ વગેરે વિષે વિગતવાર માહિતી આપી હતી. એક્સપર્ટ ટોક દરમિયાન 300થી વધારે વિદ્યાર્થીનીઓ અને મહિલા ફેકલ્ટી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એક્સપર્ટ ટોક પછી વિદ્યાર્થીનીઓ દ્વારા આ સિન્ડ્રોમ બાબતે તેમને મનમાં મુંઝવતા અનેક રસપ્રદ  સવાલો પૂછવામાં આવ્યા હતા જેના સંતોષકારક જવાબો આપતા ડો. જાડેજાએ કહ્યું હતું કે આ રોગ સામે અવેરનેસ ફેલાવવા સૌએ આગળ આવવું જોઈએ. BDIPSની આ પહેલથી છોકરીઓ સહિત મહિલાઓ આ વિષય સંબંધિત જાગૃત થશે અને તેમના આરોગ્યને તંદુરસ્ત રાખવા પર ભાર આપશે.  
  

 

gujarat news health tips gujarati mid-day gujarat anand