ગુજરાતનાં યાત્રાધામોનાં મંદિરોમાં ઇકો-ફ્રેન્ડલી પ્રયોગ : મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખો, કાપડની થેલી મેળવો

25 August, 2024 01:47 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ પ્રયોગ સફળ થતાં હવે જુદાં-જુદાં ૨૫૦ જેટલાં પાર્લર પર કાપડની થેલીનાં વેન્ડિંગ મશીન મુકાશે.

શામળાજી મંદિરમાં મુકાયેલું કાપડની થેલીનું વેન્ડિંગ મશીન.

ગુજરાતને પ્લાસ્ટિક-મુક્ત બનાવવાના પ્રયાસમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આવકારદાયક પહેલ કરીને યાત્રાધામોનાં કેટલાંક મંદિરોમાં પ્રસાદ માટે કાપડની થેલીનાં વેન્ડિંગ મશીન મૂક્યાં છે. એમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખીને કાપડની થેલી મેળવી શકાય છે. મંદિરોમાં કરવામાં આવેલા આ પ્રયોગને સફળતા મળી છે અને ૬૦ દિવસમાં ૫૦૦૦ થેલી લોકો લઈ ગયા છે. 

સાળંગપુરમાં હનુમાનદાદાના મંદિરમાં મુકાયેલું કાપડની થેલીનું વેન્ડિંગ મશીન.

પ્લાસ્ટિકના ઉપયોગ સામે જનજાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવેલી પહેલના ભાગરૂપે અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર સહિતનાં મંદિરોમાં ૧૪ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યાં છે. મંદિરમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પ્રસાદ પ્લાસ્ટિકની બૅગમાં લઈ જવાને બદલે કાપડની થેલીમાં લઈ જાય એ માટે ખાસ મુકાયેલા વેન્ડિંગ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો ક્યુઆર કોડ સ્કૅન કરીને મશીનમાંથી થેલી મેળવી શકાય છે. આ પ્રયોગ સફળ થતાં હવે જુદાં-જુદાં ૨૫૦ જેટલાં પાર્લર પર કાપડની થેલીનાં વેન્ડિંગ મશીન મુકાશે.

gujarat news life masala environment somnath temple ahmedabad