JEE ઍડ્વાન્સમાં ગર્લ્સ કૅટેગરીમાં ટૉપ કર્યું રાજકોટની દ્વિજા પટેલે

10 June, 2024 07:01 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

ઑલ ઇન્ડિયા રૅન્કિંગમાં સાતમા ક્રમે આવેલી દ્વિજા પાસે પોતાનો સેલફોન નથીઃ તે હવે IIT બૉમ્બેથી કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગે છે

દ્વિજા તેનાં માતા-પિતા સાથે.

એન્જિનિયરિંગની પ્રવેશપરીક્ષા જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) ઍડ્વાન્સનું ​રિઝલ્ટ ગઈ કાલે જાહેર થયું હતું. એમાં રાજકોટની દ્વિજા પટેલે ૩૬૦માંથી ૩૩૨ માર્ક્સ મેળવીને ઑલ ઇન્ડિયામાં સાતમા ક્રમ સાથે ગર્લ્સ કૅટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. દ્વિજા હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેથી કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગે છે.

રાજકોટમાં યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી કડવા પટેલ જ્ઞાતિની દ્વિજા પટેલને કોડિંગમાં રસ હોવાથી તે કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવા માગે છે. પોતાની સિ​દ્ધિ વિશે જણાવતાં દ્વિજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘JEE ઍડ્વાન્સનું મારું પરિણામ મારી અપેક્ષા કરતાં બહુ જ સારું આવ્યું છે. એનાથી મને અહેસાસ થયો છે કે સખત મહેનત તમને સફળતા તરફ દોરી જાય છે. JEEની શરૂઆતમાં જ મેં મારો ટાર્ગેટ સેટ કર્યો હતો અને એ જ રીતે અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં મારો અભ્યાસક્રમ ત્રણથી ચાર કલાકનો હતો અને પરીક્ષાના છેલ્લા દિવસોમાં મેં આઠથી દસ કલાક રોજ અભ્યાસ કર્યો હતો. મેં બારમા ધોરણના ૨૦૨૩માં જાહેર થયેલા રિઝલ્ટમાં પણ ૯૯.૯૪ ટકા મેળવીને રાજકોટનું નામ રોશન કર્યું હતું. મારી પાસે હાલમાં પણ મોબાઇલ નથી. મેં મોબાઇલ રાખવાનું એટલે ટાળ્યું હતું કે મારે મારા ફોકસ પરથી હટવું નહોતું. કોઈ કામ હોય ત્યારે હું મારી મમ્મીના મોબાઇલનો ઉપયોગ કરી લેતી હતી.’

પોતાની સફળતાનો યશ મમ્મી કિરણબહેન અને પપ્પા ધર્મેશકુમારને આપીને તેણે રિઝલ્ટ આવ્યા બાદ સૌથી પહેલાં તેમના આશીર્વાદ લીધા હતા. આગામી સમયમાં તે IIT-બૉમ્બેથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવા માગે છે. ત્યાર બાદ વિદેશમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવાનું તેનું સપનું છે, જે પૂરું કરશે એવી તેને આશા છે. તેના પિતા ધર્મેશભાઈ સ્કૂલમાં શિક્ષક છે, જ્યારે માતા કિરણબહેન ગૃહિણી છે. તેનો નાનો ભાઈ દેવર્શ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે.

gujarat news gujarat ahmedabad rajkot Education gujarati community news iit bombay