શ્રીકૃષ્ણ ને રુક્મિણીજીની ઐતિહાસિક નગરી માધવપુર બેટમાં ફેરવાઈ ગઈ

21 July, 2024 08:09 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સતત બીજા દિવસે દ્વારકા અને જૂનાગઢને મેઘરાજાએ ધમરોળ્યું : દ્વારકામાં ૬ ઇંચથી વધુ અને જૂનાગઢમાં ૫ાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે એન.ડી.આર.એફ.ની ટીમ બચાવકામગીરી માટે પહોંચી હતી.

સૌરાષ્ટ્રમાં ગઈ કાલે સતત બીજા દિવસે પણ દ્વારકા અને જૂનાગઢને મેઘરાજાએ ધમરોળ્યું હતું. દ્વારકામાં ૬ ઇંચથી વધુ અને જૂનાગઢમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. એમાં પણ દ્વારકામાં સવાર-સવારમાં ૪ કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના પગલે દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર પંથકમાં તારાજી સર્જાઈ છે. એટલું જ નહીં, ભારે વરસાદના પગલે નાગરિકોની હાલાકી યથાવત્ રહેવા પામી છે અને ખેતરોમાં વરસાદી પાણીનો જમાવડો થતાં મગફળી સહિતના પાકોનું ધોવાણ થતાં ખેડૂતોના માથે આફત આવી પડી છે.

દ્વારકા, જૂનાગઢ સહિતના પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક નાની-મોટી નદીઓ અને વોકળામાં ધસમસતાં પાણી ફરી વળ્યાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીની ઐતિહાસિક નગરી માધવપુર બેટમાં ફેરવાઈ ગઈ હતી. માધવપુરમાં જ્યાં મેળો ભરાય છે એ ગ્રાઉન્ડમાં ૧૦થી ૧૫ ફુટ પાણી ભરાયાં હતાં. માધવપુરની શેરીઓમાં છાતી સમા પાણી ભરાયાં હતાં.

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વરસાદ પડતાં પર્વતનાં પગથિયાં પરથી વરસાદી પાણી વહેતાં અને ડુંગર પરથી અસંખ્ય ઝરણાં જીવંત થતાં નયમરમ્ય નઝારો સર્જાયો હતો. વરસાદના પગલે ગુજરાતના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓનાં ૧૬ જળાશયો છલકાયાં છે.

ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી ૮૭ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં સાડાચાર ઇંચથી વધુ, તલાળામાં ૪ ઇંચ જેટલો, જૂનાગઢના વંથલીમાં પોણાચાર ઇંચથી વધુ, મેંદરડામાં સાડાત્રણ ઇંચથી વધુ, માણાવદરમાં ૩ ઇંચ જેટલો, માંગરોળમાં બે ઇંચ જેટલો અને પોરબંદરમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વલસાડ, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો.

gujarat news gujarat ahmedabad monsoon news saurashtra junagadh dwarka