28 July, 2023 09:17 AM IST | Ahmedabad | Shailesh Nayak
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્લેનના મૉડલની ભેટ આપી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાજકોટમાં ગુજરાતના પ્રથમ ગ્રીન ફીલ્ડ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ સહિત ૨૦૩૩ કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરીને જાહેર સભામાં મોંઘવારીના મુદ્દે વિપક્ષોને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે ‘દેશમાં પહેલાંની સરકાર હોત તો આજે દૂધ ૩૦૦ રૂપિયે વેચાતું હોત, પણ અમારી સરકારે મોંઘવારીને કાબૂમાં કરીને રાખી છે.’
સૌરાષ્ટ્રના રાજકોટથી થોડે દૂર આવેલા હિરાસર ગામ પાસે નવનિર્મિત ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઊતર્યા હતા. તેઓ ત્યાંથી રાજકોટ આવ્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં તેઓએ ઍરપોર્ટ, સિંચાઈ, બ્રિજ સહિતના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ જાહેર સભા સંબોધતાં કહ્યું હતું કે ‘હવે રાજકોટની ઓળખ સૌરાષ્ટ્રના ગ્રોથ એન્જિન તરીકે થઈ રહી છે. અહીં ઉદ્યોગ-ધંધા, સંસ્કૃતિ, ખાનપાન છે, પણ એક ખોટ મહેસૂસ થતી હતી એ ખોટ આજે પૂરી થઈ ગઈ છે. હું નવા બનેલા ઍરપોર્ટ પર હતો ત્યારે તમારાં સપનાં પૂરાં થવાની ખુશી મેં પણ મહેસૂસ કરી હતી. રાજકોટને નવું મોટું ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ મળી ચૂક્યું છે. હવે રાજકોટથી દેશની સાથે-સાથે દુનિયાનાં અનેક શહેરો માટે પણ સીધી ફ્લાઇટ સંભવ થઈ શકશે.’
આ તબક્કે તેઓએ વિપક્ષોને આડે હાથ લેતાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘આજે જ્યારે દેશમાં આટલું કામ થઈ રહ્યું છે, દેશ આગળ વધી રહ્યો છે તો કેટલાક લોકોને પરેશાની થવી સ્વાભાવિક છે. જે લોકો દેશની જનતાને હંમેશાં તરસ્યા રાખતા હતા. જે લોકોને દેશની જનતાની આવશ્યકતા અને આકાંક્ષાથી મતલબ નહોતો તે લોકો દેશની જનતાનાં સપનાં પૂરાં થતાં જોઈને આજે વધુ ચિડાયેલા છે અને તમે જુઓ છો આજકાલ ભ્રષ્ટાચારીઓ અને પરિવારવાદીઓએ પોતાની જમાતનું નામ બદલી નાખ્યું છે. ચહેરો એ જ જૂનો છે, તોરતરીકા પણ જૂના છે, પણ જમાતનું નામ બદલાઈ ગયું છે. દોહરાપન તેમની રાજનીતિ છે. મોંઘવારીના મામલામાં તેમનો ટ્રૅક રેકૉર્ડ શું છે. તેઓ કેન્દ્રમાં સત્તામાં હતા ત્યારે મોંઘવારીના દરને ૧૦ ટકા સુધી પહોંચાડી દીધો હતો. જો અમારી સરકારે મોઘવારી કાબૂમાં ન કરી હોત તો આજે ભારતમાં કિંમતો આસમાનને અડતી હોત. દેશમાં પહેલાંવાળી સરકાર હોત તો આજે દૂધ ૩૦૦ રૂપિયે લિટર વેચાતું હોત અને દાળ ૫૦૦ રૂપિયે કિલો વેચાતી હોત. બાળકોની સ્કૂલ ફીથી લઈને આવવા-જવાનું ભાડું બધું જ કેટલાય ઘણું થઈ ગયું હોત, પણ અમારી સરકારે મોંઘવારીને કાબૂમાં કરીને રાખી છે. અમે મોંઘવારીને કન્ટ્રોલ કરતા આવ્યા છીએ અને આગળ પણ કરીશું.’